30 August floods in Bengaluru cost IT companies Rs 225 crore in one day
બેંગલુરુમાં પૂરની ફાઇલ તસવીર (ANI Photo)

કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇને શનિવારે લખેલા પત્રમાં આઇટી અને બેન્કિંગ કંપનીઓએ જણાવ્યું હતું કે બેંગલુરુના કેટલાંક વિસ્તારોમાં 30 ઓગસ્ટે આવેલા ભારે પૂરથી એક જ દિવસમાં આશરે રૂ.225 કરોડનું નુકસાન થયું હતું અને આઇટી ઇન્ડસ્ટ્રીની ક્ષમતા અંગે વૈશ્વિક સ્તરે સવાલો ઊભા થયા હતા. આ કંપનીઓએ બેંગલુરુના નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ સીએમનું ધ્યાન દોરીને તેમા તાકીદે સુધારો કરવાની માગણી કરી છે.

પહેલી સપ્ટેમ્બરે બોમ્માઇને પાઠવેલા પત્રમાં આઉટર રિંગ રોડ કંપનીઝ એસોસિયેશન (ORRCA)એ જણાવ્યું હતું કે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ અને ક્રિષ્નરાજા પુરમ કોરિડોર વચ્ચેના આઉટર રિંગ રોડ પર આશરે પાંચ લાખ પ્રોફેશનલ નોકરી કરે છે. એસોસિયેશનના પ્રેસિડન્ટ માનસ દાસ અને વાઇસ પ્રેસિડન્ટ અર્ચના તાયડેએ જણાવ્યું હતું કે આશરે 17 કિમીનો આ કોરિડોર આશરે 10 લાખ લોકોની રોજગારી આપે છે. આઉટર રિંગ રોડની આઇટી ઇન્ડસ્ટ્રી વાર્ષિક 22 અબજ ડોલરની આવક મેળવે છે, જે બેંગલુરુની આવકના 32 ટકા છે અને ટેક્સમાં સૌથી વધુ યોગદાન આપે છે.

આ કોરિડોરના નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કંપનીઓની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે તથા કર્મચારીઓની સુરક્ષા અને સુખાકારી જોખમમાં મૂકાય છે. 30 ઓગસ્ટે આઉટર રિંગ રોડ પર પૂરની સ્થિતિથી રૂ.225 કરોડનું નુકસાન થયું હતું, કારણ કે કર્મચારીઓ પાંચ કલાક કરતાં વધુ સમય માટે રોડ પર ફસાઈ ગયા હતા. અપૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે કટોકટીના લેવલે પહોંચ્યું છે. ઓઆરઆરના માત્ર 30 ટકા કર્મચારીઓ ઓફિસથી કામ કરે છે આમ છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગતા આઇટી બિઝનેસ માટેની બેંગલુરુ શહેરની ક્ષમતા અંગે વૈશ્વિક ચિંતા ઊભી થઈ છે.

 એસોસિયેશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સભ્ય કંપનીઓએ ઇમર્જન્સી બિઝનેસ પ્લાસનો ઉપયોગ કરવો પડ્યો હતો તથા વર્ક ફ્રોમ હોમ અથવા ક્રિટિકલ વર્ક બીજા સ્થળો પર ખસેડવું પડ્યું હતું. તેથી શહેર અને રાજ્યની ઇકોનોમીને ફટકો પડ્યો હતો. આ સ્થિતિ ચાલુ રહી છે.

LEAVE A REPLY

seventeen + three =