અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઇરાન અમેરિકાના જવાનો કે સંપત્તિ પર હુમલો કરશે કે કોઇ નુકસાન પહોંચાડશે તો તેના 52 જેટલા સ્થળોને નિશાન બનાવશે અને તેના પર ‘ખૂબ ઝડપીથી અને જોરદાર હુમલો’ કરશે.
આમ તેમના આ નિવેદન બાદ બન્ને દેશોની તંગદિલીમાં વધારો થયો છે. આની સાથે જ અમેરિકાએ ઇરાન સાથેના ઘર્ષણને જોતાં મધ્યપૂર્વના દેશોમાં તેની ફાસ્ટ રિસ્પોન્સ ફોર્સને મોકલી દીધી છે. બન્ને દેશો વચ્ચે તંગદિલી વધતાં ભારત સહિતના દેશોએ ચિંતા દર્શાવી છે. બીજી બાજુ ઇરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ ખોમેનીએ પણ બદલો લેવાની ધમકી ઉચ્ચારી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાકમાં એક ટોચના ઇરાની જનરલ સુલેમાનીને નિશાન બનાવીને શુક્રવારે ડ્રોન હુમલો કરવાનો બચાવ કરતા ટ્વીટ કર્યું કે 52 અંક એ લોકોની સંખ્યા દર્શાવે છે, જેમને એક વર્ષથી વધુ સમય સુધી તહેરાનમાં અમેરિકા દૂતાવાસમાં 1979માં બંધક બનાવી રાખવામાં આવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે એમાં કેટલાક સ્થળો એવા છે કે જે ઇરાન અને તેની સંસ્કૃતિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સ્થળો અને ઇરાન પર ખૂબ ઝડપથી જોરદાર હુમલો કરવામાં આવશે. અમેરિકાને હવે કોઈ વધુ ખતરો જોઈએ નહીં. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા પાસે આધુનિક હથિયારો છે, જેનો સામનો કરવાનું ઇરાનની તાકાત નથી. બીજી તરફ ઇરાને 2015ની અણુસંધિમાંથી નીકળી જવાની જાહેરાત કરી હતી. ઇરાને કહ્યું હતું કે તે તેનો અણુ કાર્યક્રમ ફરી ચાલુ કરશે. તેનો અર્થ કે તે અણુ શસ્ત્રો બનાવવાનું શરૂ કરશે.
ઇરાનના કમાંડર સુલેમાની ઠાર મરાયા બાદ ઇરાને પણ અમેરિકાથી બદલો લેવાની ધમકી આપી છે. અમેરિકા વિરોધી જુલુસ કાઢ્યા બાદ ઇરાનના કોમ શહેરની એક ઐતિહાસિક મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. આ અમેરિકાની સામે યુદ્ધના એલાન તરીકે માનવામાં આવી રહ્યું છે અને આ લાલ ઝંડો બદલા અને લોહીનો સંકેત છે. ઇરાને જનરલના મોત બાદ કહ્યું હતું કે તે અમેરિકાથી તેનો બદલો લેશે.
ભારતના વિદેશ મંત્રી એક જયશંકરે રવિવારે પોતાના ઇરાની સમકક્ષ જવાદ જરીફ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ભારત ક્ષેત્રમાં વધતા તણાવથી ચિંતિત છે. તેમણે ટ્વિટ કર્યું કે ‘ઇરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે હાલની ઘટનાઓથી સ્થિતિ ગંભીર બની રહી છે. ભારતે ચિંતા વ્યક્ત કરીને સંપર્કમાં બની રહેવા મામલે સંમતિ દર્શાવી છે.’ વિદેશ પ્રધાને અખાતી દેશોમાં અશાંતિ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી હતી.