સિંગાપોરમાં બ્રિટિશ મહિલાની છેડતી કરવા બદલ ભારતીય પુરુષને 4 વર્ષની જેલ અને વાંસની લાકડીના છ ફટકાની સજા ફટકારવામાં આવી હતી, એમ શુક્રવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
આ ઘટના ઓગસ્ટ 2022 છે. તે સમયે સ્ટુડન્ટ પાસ પર સિંગાપોરમાં રહેલ એરુગુલા ઇશ્વરા રેડ્ડી નામના આરોપી ટર્ફ ક્લબ રોડ રેસ્ટોરન્ટમાં પીડિતાને મળ્યો હતો. તે સમયે પીડિતા નશામાં હતી અને તેના મિત્રોની રાહ જોઈ રહી હતી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને રેડ્ડી પીડિતાને બળજબરીથી ખુરશી પરથી ઉઠાવીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો. ત્યારપછી તેને પીડિતાને જમીન પર સુવડાવી અને પોતાના કપડા ઉતાર્યા હતાં અને છેડતી ચાલુ કરી હતી. જોકે મહિલાનો એક પુરુષ મિત્ર બૂમો સાંભળીને સ્થળ પર આવી ગયો હતો.
ઘટનાસ્થળે પહોંચતા પીડિતાના મિત્રએ જોયું કે રેડ્ડી નગ્ન હતો અને પીડિતા અર્ધનગ્ન હાલતમાં રડી રહી હતી. આ ઘટનાને પગલે મિત્રએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળથી આરોપીની ધરપકડ કરી હતી.