મોટાભાગના પશ્ચિમી મીડિયા તેમના રિપોર્ટ્સમાં જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર પોતાનો અહમ સંતોષવા માટે ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કરી છે. ટ્રમ્પના નિર્ણયની પશ્ચિમી દેશોના મીડિયામાં રાજકીય, આર્થિક અને નૈતિક દૃષ્ટિએ છણાવટ થઈ હતી.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામ કરાવ્યું હોવાના દાવા ટ્રમ્પે અનેક વખત કર્યા છે અને દર વખતે ભારતે ટ્રમ્પની મધ્યસ્થીના દાવાને રદિયો આપ્યો છે. ભારતના આ ખુલાસાથી ટ્રમ્પનો અહમ ઘવાયો છે અને તેઓ આર્થિક કે વ્યવહારિક પાસાને ધ્યાનમાં રાખ્યા વગર ભારતને નિશાન બનાવી રહ્યા છે.
લંડન ડેઈલીમાં પ્રકાશિત થયેલા લેખ મુજબ, ભારતીય સામાન પર 50 ટકા ટેરિફ લાગુ કરી ટ્રમ્પ આર્થિક સત્તાનું પ્રદર્શન કરવા માગે છે. રશિયન ઓઈલ ખરીદવા માટે ભારત પર રોષ ઠાલવી રહેલા ટ્રમ્પ સિફતપૂર્વક યુરોપીયન દેશોને ભૂલી જાય છે.
ગત વર્ષે યુરોપીયન દેશોએ રશિયા પાસેથી 21.9 અબજ ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યુ હતું જ્યારે યુક્રેનને સહાય માટે માત્ર 18.7 બિલિયન ડોલર ખર્ચ્યા હતા. લેખમાં જણાવાયું છે કે, પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ દરમિયાન ટ્રમ્પને શ્રેય આપવા ભારતે ઈનકાર કર્યા પછી બંને દેશના સંબંધોમાં કડવાશ આવી છે.
બીજા મીડિયા રિપોર્ટ્સમાં પણ આ જ પ્રકારના અવલોકનો થયા હતો. ટ્રમ્પને શસ્ત્ર વિરામ કરાવ્યાની ક્રેડિટ નહીં મળતા તેઓ ભૂરાંટા થયા હોવાનું ઘણાં રિપોર્ટ્સમાં કહેવાયું હતું. કદાચ આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ટ્રમ્પનો અહમ રહેલો છે.
