
ભારતમાં 17મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 9 સપ્ટેમ્બરે મતદાન ચાલુ થયું હતું. દેશના આ બીજા ક્રમના સર્વોચ્ચ બંધારણીય પદ માટે ભાજપની આગેવાની હેઠળના સત્તાધારી ગઠબંધન એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જસ્ટિસ (નિવૃત્ત) બી સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો છે. લોકસભા અને રાજ્યસભાનું સંખ્યાબળ જોતા સત્તાધારી ગઠબંધનના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે. ચૂંટણીનું રિઝલ્ટ પણ મતદાનના દિવસે જ એટલે કે 9 સપ્ટેમ્બરે જાહેર થશે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સભ્યો મતદાન કરતાં હોય છે. વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સાંસદોએ મતદાન કર્યુ હતું.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇલેક્ટોરલ કોલેજમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્યસભાના નોમિનેટેડ સભ્યો પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની ઇલેક્ટોરલ કોલેજમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના 12 નોમિનેટેડ સભ્યો અને લોકસભાના 543 સભ્યોનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યસભામાં પાંચ અને લોકસભામાં એક બેઠક ખાલી છે. તેનાથી બંને ગૃહોનું સંખ્યાબળ 782 છે અને તમામ મતદારો મતદાન કરે તો વિજેતા ઉમેદવારને 391 મતોની જરૂર પડશે.
લોકસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAને 542 સભ્યોમાંથી 293 સભ્યોનું સમર્થન છે. શાસક ગઠબંધનને રાજ્યસભામાં પણ 129 સભ્યોનું પણ સમર્થન છે. તેથી શાસક ગઠબંધનને 422 સભ્યોનું સમર્થન છે, જે પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટેના 391 મતથી વધુ છે.
વિપક્ષી ઉમેદવાર રેડ્ડી આંધ્રપ્રદેશના રંગારેડ્ડી જિલ્લાના વતની છે અને ભૂતકાળમાં વકીલ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમને 1995માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2005માં ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. તેમને જાન્યુઆરી 2007માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને જુલાઈ 2011માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ, તેમણે ગોવાના પ્રથમ લોકાયુક્ત તરીકે પણ સેવા આપી હતી.
21 જુલાઈએ જગદીપ ધનખડના ઓચિંતા રાજીનામાથી આ ચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ છે. ધનખડે બે વર્ષનો કાર્યકાળ બાકી હતો ત્યારે રાજીનામું આપ્યું હતું.
