બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના બે બાળકોએ તેમના સ્વર્ગસ્થ પિતા સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિમાં ભાગ મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ૧૦ સપ્ટેમ્બરના રોજ સુનાવણી માટે નિર્ધારિત આ અરજીમાં સંજય કપૂરના વસિયતનામાની માન્યતાને પડકારવામાં આવી છે.
ફરિયાદ મુજબ તેમના પિતા કે તેમની સાવકી માતા પ્રિયા કપૂરે ક્યારેય તેમને વસિયતનામાના અસ્તિત્વ વિશે જાણ કરી ન હતી. બાળકોનો આરોપ છે કે પ્રિયા કપૂરનું વર્તન “નિઃશંકપણે” સૂચવે છે કે વસિયતનામા બનાવટી હોઈ શકે છે.કોર્ટ આ મામલાની સુનાવણી કરે અને મિલકતના વિવાદ અંગે આગળના પગલાં અંગે નિર્ણય લે તેવી અપેક્ષા છે.
અરજીમાં દલીલ કરાઈ છે કે કે ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ યુકેના વિન્ડસરમાં પોલો રમતી વખતે તેમના પિતાના અચાનક અવસાન સુધી તેઓ તેમની સાથે ગાઢ સંબંધો ધરાવતા હતાં.
આ અરજીમાં પ્રિયા સચદેવ પર આરોપ છે કે, તેણે 7 અઠવાડિયા સુધી સંજય કપૂરનું વસિયતનામું છુપાવી રાખ્યું હતું. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં બાળકોએ તેમના પિતાની મિલકતમાં 20-20 ટકા હિસ્સો માંગ્યો છે. આ ઉપરાંત અરજીમાં માગ કરાઈ છે કે, આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી બધી મિલકતો ફ્રીઝ કરવામાં આવે.
અગાઉ સોના ગ્રુપની મુખ્ય કંપની સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સે જણાવ્યું હતું કે સંજય કપૂરની માતા રાની કપૂર કંપનીના શેરહોલ્ડર નથી. રાની કપૂરે ચોંકાવનારો દાવો કર્યો હતો કે યુકેમાં તેમના પુત્રનું મૃત્યુ “અત્યંત શંકાસ્પદ અને અસ્પષ્ટ સંજોગોમાં” થયું હતું.
અગાઉ કંપનીના બોર્ડને પત્ર લખી રાની કપૂરે પોતાના બહુમતી શેરહોલ્ડર ગણાવ્યાં હતાં અને અને કંપનીની શુક્રવારે નિર્ધારિત સામાન્ય વાર્ષિક સભા (એજીએમ) મોકૂફ રાખવાની માગણી કરી હતી. જોકે આ માગણીને ધ્યાનમાં લીધા વગર કંપની બેઠક યોજી હતી.
