ઇમિગ્રેશન અંગેની પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી નીતિને પગલે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન અમેરિકાના ઇમિગ્રન્ટ્સ વર્કર્સમાં 1.2 મિલિયનનો ઘટાડો થયો હતો અને તેનાથી કૃષિ, ડેરી, ફિશિંગ, કન્સ્ટ્રક્શન જેવી શ્રમ પ્રધાન ક્ષેત્રોમાં શ્રમિકોની અછત ઊભી થઈ છે, એમ સેન્સસ બ્યૂરોના પ્રાથમિક ડેટાનું વિશ્લેષણ કરીને પ્યૂ રિસર્ચે જણાવ્યું હતું.
વિશ્વેષણ મુજબ ઇમિગ્રન્ટ સામેની ટ્રમ્પની આકરી કાર્યવાહીને પગલે કાયદેસર રીતે રહેતા અને ગેરકાયદે રીતે રીતે એમ બંને ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો થયો છે. અમેરિકાના કુલ વર્કફોર્સમાં 20 ટકા વર્કર્સ ઈમિગ્રન્ટ્સ છે અને તેમાંય ખેતી સાથે સંકળાયેલા 45 ટકા વર્કર્સ નોન-અમેરિકન્સ છે. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ 30 ટકા શ્રમિકો ઈમિગ્રન્ટ્સ છે જ્યારે સર્વિસ વર્કર્સમાં તેમનું પ્રમાણ 24 ટકા જેટલું થાય છે. યુએસમાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સની સંખ્યા 2023માં રેકોર્ડ 14 મિલિયનના સ્તરે પહોંચી ગઈ હતી જેમાં પહેલીવાર 2025માં ઘટાડો જોવા મળી રહ્યો છે. મજૂરીના કામ સાથે સંકળાયેલા લોકો જ દેશ છોડી રહ્યા હોવાથી અમેરિકામાં કામદારોની અછત પણ સર્જાઈ છે, ખાસ તો કેલિફોર્નિયા અને ફ્લોરિડાના ખેતરોમાં કામ કરવા માટે મજૂરો નથી મળી રહ્યા.
મેક્સિકો બોર્ડરને અડીને આવેલા ટેક્સાસના ખેતરોમાં મકાઈ અને કપાસનો પાક તૈયાર છે, પરંતુ શ્રમિકોની અછત ખેડૂતોને સતાવી રહી છે. આવી જ હાલત ડેરી ઈન્ડસ્ટ્રીની પણ છે. ખેતરો ઉપરાંત ICE કન્સ્ટ્રક્સન સાઈટ્સને પણ ટાર્ગેટ બનાવી રહી છે અને અત્યાર સુધી સેંકડો અનડોક્યુમેન્ટેડ કન્સ્ટ્રક્શન વર્કર્સને અરેસ્ટ પણ કરાયા છે, આ સ્થિતિમાં ઘણી સાઈટ્સ પર કામકાજ અટકી ગયું છે કે પછી ધીમું પડી ગયું છે.
ઈમિગ્રન્ટ્સ અમેરિકાના હેલ્થકેર સેક્ટરમાં પણ મહત્વનું યોગદાન આપે છે, ખાસ તો હોમ હેલ્થ કેર સહાયક તરીકે કામ કરતા 43 ટકા શ્રમિકો ઈમિગ્રન્ટ્સ છે.
અમેરિકામાંથી જે લોકોને હાલ સૌથી વધુ સંખ્યામાં ડિપોર્ટ કરાઈ રહ્યાં છે તેમાં મોટાભાગના લોકો લેટિનોઝ છે. જોકે, એવું નથી કે વર્કર્સની અછતથી માત્ર અમેરિકાના ખેડૂતો, પશુપાલકો કે પછી કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ જ પરેશાન છે.. તેમની સાથે-સાથે હાલ ગુજરાતી બિઝનેસ ઓનર્સ પણ એમ્પ્લોઈ ના મળતા હોવાથી દોડતા થઈ ગયા છે. આ ઉપરાંત સ્ટૂડન્ટ્સ પણ હાલ જોબ કરતા ડરી રહ્યા છે અને જેમની પાસે વર્ક પરમિટ છે તેઓ મોકાનો ફાયદો ઉઠાવી વધારે પગાર માગી રહ્યા હોવાથી બિઝનેસ ઓનર્સ પરેશાન છે.
