નેપાળમાં પ્રેસિડેન્ટ રામચંદ્ર પૌડેલે શુક્રવારે મોડી રાત્રે નવનિયુક્ત વડાંપ્રધાન સુશીલા કાર્કીની ભલામણ પર સંસદનું વિસર્જન કર્યું હતું અને આવતા વર્ષે 21 માર્ચના રોજ સંસદીય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. પ્રેસિડેન્ટ ઓફિસની માહિતી મુજબ સંસદનું વિસર્જન 12 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગ્યાથી અમલમાં આવ્યું હતું. નેપાળમાં 73 વર્ષીય પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાર્કીએ શુક્રવાર મોડી રાત્રે નેપાળનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે શપથ લીધા હતાં. આ સાથે જ સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને થયેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે કે. પી. શર્મા ઓલીએ પદ છોડ્યા બાદ ઘણા દિવસોથી ચાલતા રાજકીય સંઘર્ષનો અંત આવ્યો હતો. પ્રેસિડેન્ટ પૌડેલે સમારોહ બાદ વડાંપ્રધાન કાર્કીને શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે, તમે દેશને બચાવવામાં સફળ થશો. આ સમારોહમાં નેપાળના મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા વડાઓ, રાજદૂત અને પૂર્વ વડાપ્રધાન બાબુરામ ભટ્ટારાઈ પણ હાજર હતા. કાર્કીની નિમણૂકથી કાઠમંડુમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નેપાળની આંતરિક સરકારનાં વડાપ્રધાન તરીકે પદભાર સંભાળવા બદલ સુશીલા કાર્કીને સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવ્યાં હતાં અને પડોશી દેશના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
