અમેરિકામાં તંત્ર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ માહોલ વચ્ચે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને H1-B વિઝાની ટીકા કરવાના બહાને હિન્દુ વિરોધી મુદ્દાઓને સમર્થન આપતી ઓનલાઇન પોસ્ટ્સ ફેલાતી અટકાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.
યુએસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાજેતરમાં H1-B વિઝા ફી પર $100,000 ની ભારેખમ ફી લાદવાના નિર્ણયના વિરોધમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સામે કેસ કરાયો હતો.
આ દાવાના જવાબમાં, તંત્રે જણાવ્યું હતું કે, તે નવી H-1B વિઝા એપ્લિકેશન્સ પર લાગુ થતી $100,000ની ફી રોકવા માટે થયેલી કાનૂની કાર્યવાહીનો મુકાબલો કરશે. એડમિનિસ્ટ્રેશનનો દાવો છે કે, ઇમિગ્રેશન સીસ્ટમ ‘ઘણા લાંબા સમયથી છેતરપિંડીથી ગ્રસ્ત’ હતી અને અમેરિકન વર્કર્સને પ્રાથમિકતા આપવા માટે તેમાં ફેરફાર કરવા પડશે.
આ દરમિયાન, દેશમાં વધી રહેલા ઇમિગ્રન્ટ્સને કારણે ઘણા અમેરિકનોએ દિવાળીના તહેવારનો વિરોધ કર્યો હોવાનું કહેવાય છે, જેના કારણે આવી ચર્ચા શરૂ થઈ હતી. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયામાં દિવાળી વિરોધી કેટલીક પોસ્ટ્સ જાહેર કરી હતી, જેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, H1-Bનો વિરોધ હવે ‘ઓનલાઇન હિન્દુફોબિયા’માં વિકસી રહ્યો છે.














