વડોદરા સ્થિત ભાગેડૂ ઉદ્યોગપતિ નીતિન અને ચેતન સાંડેસરાએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં રૂ.5,100 કરોડ જમા કરાવ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમની સામેના ફોજદારી ગુના પડતા મૂકવા માટે રાખેલી શરતનું પાલન કરવા માટે આ રકમ ડિપોઝિટ કરાઈ છે, એમ સાંડેસરા બંધુઓના પ્રવક્તાએ જણાવ્યું હતું.
નિવેદનમાં જણાવાયું હતું કે ૬ ડિસેમ્બરના રોજ ૫,૧૦૦ કરોડ રૂપિયા જમા કરાવવાથી ૨૦૧૭થી પેન્ડિંગ રહેલા સાંડેસરા પરિવાર અને તેમની કંપનીઓ સામેના તમામ કેસોનો વ્યાપકપણે અંત આવે છે.
સીબીઆઈએ સાંડેસરા બંધુઓ સામે રૂ.5,383 કરોડની બેંક લોન ડીફોલ્ટ કરવા બાબતે ફરિયાદ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં તેમની વિવિધ કંપનીઓ પાસેથી રૂ.9,799 કરોડ રીકવર કરાયા છે.
સાંડેસરા પરિવારના પ્રવક્તાએ અખબારી યાદીમાં જણાવ્યુ હતું કે, નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને પરિવારે સુપ્રીમ કોર્ટે 19 નવેમ્બર, 2025ના રોજ આપેલા આદેશનું સંપૂર્ણ પાલન કરતાં 6 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં પૂરા રૂ.5,100 કરોડ જમા કરાવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ નાણાં જમા કરાવવા માટે 17 ડિસેમ્બર સુધીની મર્યાદા આપી હતી.
સરકારી બેન્કો સાથે ફ્રોડના કેસો બહાર આવ્યા પછી આલ્બેનિયન પાસપોર્ટના આધારે 2017માં તેઓ ભારત છોડીને ભાગી ગયા હતાં.
સાંડેસરા બંધુઓએ ૧૯૮૫માં વડોદરાના પાદરા તાલુકામાં સ્ટર્લિંગ બાયોટેક કંપનીની સ્થાપના કરી હતી.મુંબઈમાં પોતાની ઓફિસ રજીસ્ટર કરાવ્યા પછી, તેમણે બાંધકામ, ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ ગેસ, આરોગ્યસંભાળ, પરિવહન, સંદેશાવ્યવહાર, ખાણકામ અને અન્ય ક્ષેત્રોમાં આશરે 34 કંપનીઓ ઊભી કરી હતી. આ વ્યવસાયો શરૂ કર્યા પછી, તેમણે વિવિધ બેંકો પાસેથી લગભગ ₹17,000 કરોડની મોટી લોન લીધી હતી અને પછી લોન ભરી શક્યા ન હતાં.












