પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાએ એક મોટો નિર્ણય કરી 14 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓ માટે શાળામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સંસદમાં આ અંગેનો એક કાયદો બનાવવામાં આવ્યો છે અને તેનો તાકીદની અસરથી અમલ કરાયો છે. માનવાધિકાર સંગઠનો અને ટીકાકારોએ આ પગલાને ભેદભાવપૂર્ણ અને સમાજમાં વિભાજન વધારનાર ગણાવી તેની ટીકા કરી હતી.

દેશની સંસદે ગુરુવારે મુસ્લિમ યુવતીઓ માટે હિજાબ પર પ્રતિબંધને મંજૂરી આપી હતી. માનવાધિકાર સંગઠનો અને ટીકાકારોએ જણાવ્યું હતું કે આ કાયદો મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરે છે અને તેમના બાળકોની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારે છે. ઓસ્ટ્રિયામાં ઇમિગ્રન્ટ્સ સામે વધતાં જતાં રોષ વચ્ચે સત્તારૂઢ રૂઢિવાદી સરકારે આ દરખાસ્ત કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે હિજાબ પરનો આ પ્રતિબંધ યુવતીઓને હિંસા અને ઉત્પીડનથી બચાવવાનું એક પગલું છે. જોકે વિપક્ષ ગ્રીન પાર્ટીએ તેને ગેરબંધારણીય ગણાવી આ દરખાસ્તની વિરોધમાં મતદાન કર્યું હતું.

નવા કાયદામાં ઇસ્લામિક પરંપરા મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને શાળાઓમાં માથું ઢાંકવાની મનાઈ છે. શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આગામી ફેબ્રુઆરીથી નવા નિયમની જાણ કરાશે. શરૂઆતમાં ઉલ્લંઘનો પર કોઇ દંડ થશે નહીં, પરંતુ વારંવાર ઉલ્લંઘન કરવાથી વિદ્યાર્થીના વાલીને 150 થી 800 યુરો ($175-930) સુધીનો દંડ થઈ શકે છે.

સરકારનો અંદાજ છે કે આ પ્રતિબંધ દેશભરમાં લગભગ 12,000 વિદ્યાર્થીનીઓ પ્રભાવિત થશે. અગાઉના એક અભ્યાસ મુજબ છ વર્ષ પહેલાં સુધી 14 વર્ષથી ઓછી ઉંમરની લગભગ 3,000 છોકરીઓ હિજાબ પહેરતી હતી.
અગાઉ 2019માં પણ ઓસ્ટ્રિયાએ પ્રાથમિક શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ બંધારણીય અદાલતે તેને ગેરબંધારણીય અને ભેદભાવપૂર્ણ’ ગણાવી રદ કર્યો હતો. સરકારે જણાવ્યું હતું કે હાલનો કાયદો જૂના કાયદાથી અલગ છે અને તેને બંધારણનું પાલન કરીને બનાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY