અમેરિકાના ત્રણ પ્રભાવશાળી સાંસદોએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલી 50 ટકા ટેરિફ રદ કરવાની માગણી કરતો યુએસ પ્રતિનિધિગૃહમાં એક ઠરાવ રજૂ કર્યો છે. તેમાં જણાવાયું છે કે દિલ્હી પરની ટેરિફ બેજવાબદાર પગલું છે અને તેનાથી અમેરિકાને જ નુકસાન થાય છે અને ભારત સાથેની અમેરિકાની મહત્ત્વપૂર્ણ ભાગીદાર પણ નબળી પડે છે. નોર્થ કેરોલિનાના પ્રતિનિધિ ડેબોરાહ રોસ, ટેક્સાસના માર્ક વેસી અને ઇલિનોઇસના રાજા કૃષ્ણમૂર્તિએ આ ઠરાવ રજૂ કરી વેપાર અંગેની સંસદની બંધારણીય સત્તા પુનઃસ્થાપિત કરવાની પણ માગણી કરાઈ છે.
કૃષ્ણમૂર્તિએ જણાવ્યુ હતું કે ટ્રમ્પની “ભારત પ્રત્યેની બેજવાબદાર ટેરિફ વ્યૂહરચના એક પ્રતિકૂળ અભિગમ છે જે મહત્વપૂર્ણ ભાગીદારીને નબળી પાડે છે. અમેરિકન હિતો અથવા સુરક્ષાને આગળ વધારવાને બદલે આ ડ્યુટીઓ સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરે છે, અમેરિકન કામદારોને નુકસાન પહોંચાડે છે અને ગ્રાહકો માટે ખર્ચમાં વધારો કરે છે. આ નુકસાનકારક ટેરિફનો અંત લાવવાથી અમેરિકા સહિયારી આર્થિક અને સુરક્ષા જરૂરિયાતોને આગળ વધારવા માટે ભારત સાથે જોડાઈ શકશે.
ડેબોરાહ રોસે જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓએ આપણા દેશમાં એક અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે અને હજારો સારા પગારવાળી નોકરીઓનું સર્જન કર્યું છે,ખાસ કરીને રિસર્ચ ટ્રાયેંગલના જીવન વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં. નોર્થ કેરોલિનાના ઉત્પાદકો દર વર્ષે ભારતમાં કરોડો ડોલરના માલની નિકાસ કરે છે, જેમાં ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો અને અદ્યતન મશીનરીનો સમાવેશ થાય છે.














