અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને તેમની “બોર્ડ ઓફ પીસ” પહેલમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આ બોર્ડનો હેતુ ગાઝા સંઘર્ષથી શરૂ થતા વૈશ્વિક સંઘર્ષોને ઉકેલવાનો છે. ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ પત્ર ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જોકે આ બોર્ડમાં ભારત સામેલ થશે કે નહીં તે અંગે સરકારે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. ટ્રમ્પ પાકિસ્તાન સહિત આશરે 60 દેશોનો આમંત્રણ આપ્યું છે.
ભારત પરની અમેરિકાની 50 ટકા ટેરિફને કારણે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે, ત્યારે ટ્રમ્પે આ આમંત્રણ મોકલ્યું હતું. ગાઝા શાંતિ બોર્ડમાં વર્લ્ડ બેન્ક ગ્રુપના ઇન્ડિયન-અમેરિકન વડા અજય બંગા, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, મધ્ય પૂર્વના ખાસ દૂત સ્ટીવ વિટકોફ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર, ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર, એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ ચીફ માર્ક રોવાન અને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રોબર્ટ ગેબ્રિયલનો પણ સમાવેશ કરાયો છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ શાંતિ બોર્ડ અત્યાર સુધીનું સૌથી મહાન અને પ્રતિષ્ઠિત બોર્ડ છે. આર્જટીનાના પ્રમુખ જેવીયર મિલેઈએ સાર્વજનિક રૂપે સ્વીકાર કરી તેને સન્માન ગણાવ્યું હતું. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન અને ઇજિપ્તના રાષ્ટ્ર પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વડા પ્રધાન શાહબાઝને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અઠવાડિયે યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગાઝા બોર્ડ ઓફ પીસ પર ખાસ ચર્ચા થવાની પણ સંભાવના છે.
ગાઝા સંકટના ઉકેલ માટેના ‘બોર્ડ ઑફ પીસ’ની વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ટ્રમ્પ જે રીતે ભારત, પાકિસ્તાન, ઇટાલી અને તૂર્કીયે જેવા દેશોને આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ મોકલી રહ્યા છે, તેનાથી એવી આશંકાઓ મજબૂત થઈ રહી છે કે આ માત્ર ગાઝા પૂરતી મર્યાદિત કોઈ પહેલ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ને પડકારતી એક નવી વૈશ્વિક વ્યવસ્થા હોઈ શકે છે. ટ્રમ્પના આમંત્રણ પત્રોમાં જે ભાષાનો પ્રયોગ થયો છે તે કંઈક અલગ જ ઇશારો કરે છે. તેમાં લખવામાં આવ્યું છે કે, ‘આ વૈશ્વિક વિવાદોને ઉકેલવા માટેની એક નવી અને સાહસિક પદ્ધતિ છે, જે વર્તમાન સંસ્થાઓ(જેમ કે UN) કરતાં અલગ માર્ગ બતાવે છે.’
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ‘બોર્ડ ઑફ પીસ’નું આ સૂચિત માળખું અત્યંત વિવાદાસ્પદ બની રહ્યું છે, કારણ કે તેમાં સભ્યપદ માટે નાણાકીય માપદંડ નક્કી કરાયા છે. યોજના હેઠળ જે દેશ 1 અબજ ડોલર(આશરે 8300 કરોડ રૂપિયા)નું યોગદાન આપશે, તેમને જ બોર્ડમાં સ્થાયી સભ્યપદ મળશે, જ્યારે કોઈપણ નાણાકીય યોગદાન વગરના દેશોને માત્ર 3 વર્ષ માટે અસ્થાયી સભ્યપદ મળી શકશે.












