પીઢ ખેલાડી વિરાટ કોહલીની શાનદાર સદી છતાં ઇન્દોર ખાતે રવિવાર, 18 જાન્યુઆરીએ રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતનો 41 રન પરાજય થયો હતો. આ વિજય સાથે પ્રવાસી ટીમે સિરિઝ 2-1થી જીતી લીધી હતી.
ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 338 રનનો કપરો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વિરાટ કોહલીએ એકલા હાથે લડાયક બેટિંગ કરીને ભારતની આશા જીવંત રાખી હતી. જોકે કોહલી 124 રન ફટકારીને આઉટ થયો તે સાથે જ ભારતનો પરાજય નક્કી થઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં આઠ વિકેટે 337 રન કર્યા હતા, જેના જવાબમાં ભારતે 46 ઓવરમાં 296 રન કર્યા હતા. વિરાટ કોહલીએ તેની કારકિર્દીની 54મી સદી નોંધાવતાં 108 બોલમાં દસ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 124 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત નિતિશ રેડ્ડી અને હર્ષિત રાણાએ અડધી સદી ફટકારી હતી.
મેચ અને સિરીઝ જીતવા માટે 338 રનના કપરા લક્ષ્યાંકનો સામનો કરતાં ભારતની શરૂઆત કંગાળ રહી હતી. રોહિત શર્મા માત્ર 11 રન કરી શક્યો હતો તો કેપ્ટન શુભમન ગિલે 18 બોલમાં 23 રન તો કર્યા હતા પરંતુ કાયલ જેમિસનના એક સુંદર બોલ પર તે થાપ ખાઈ ગયો હતો અને બોલ્ડ થયો હતો. શ્રેયસ ઐયર અને કે એલ રાહુલ સસ્તામાં આઉટ થઈ ગયા બાદ ઓલરાઉન્ડર નિતિશ કુમાર રેડ્ડીએ તેના સિનિયર બેટરને મજબૂત સહકાર આપ્યો હતો. કોહલી અને રેડ્ડીએ મળીને પાંચમી વિકેટ માટે 88 બોલમાં 88 રન ઉમેર્યા હતા. જોકે આ ભાગીદારી સુંદર રીતે આગળ ધપી રહી હતી ત્યારે જ ક્લાર્કના એક બોલને પુલ કરવામાં નિતિશ રેડ્ડી મિડવિકેટ પર કેચ આપી બેઠો હતો. વિલ યંગે તેની ડાબી તરફ ડાઇવ લગાવીને એક અદભૂત કેચ ઝડપ્યો હતો. રેડ્ડીએ 57 બોલમાં બે સિક્સર સાથે 53 રન ફટકાર્યા હતા.
વિલ યંગે થોડી વાર બાદ બાઉન્ડ્રી પર રવીન્દ્ર જાડેજાનો એક આબાદ કેચ ઝડપીને ભારતીય કેમ્પમાં નિરાશા લાવી દીધી હતી. આ તબક્કે ભારતીય ઇનિંગ્સની જવાબદારી વિરાટ કોહલી પર આવી ગઈ હતી. કોહલી 124 રન ફટકારીને 46મી ઓવરના ચોથા બોલે આઉટ થયો હતો અને એ જ ઓવરમાં ભારતીય ઇનિંગ્સ પૂરી થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ વતી આ વખતે પણ મિચેલે સદી ફટકારી હતી તો સાથે સાથે ગ્લેન ફિલિપ્સે પણ એવી જ શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી હતી. મિચેલ અને વિલ યંગે ત્રીજી વિકેટ માટે 53 રન ઉમેરીને ઇનિંગ્સને સ્થિરતા પ્રદાન કરી હતી પરંતુ વિલ યંગ 30 રનના અંગત સ્કોરે આઉટ થયો ત્યાર બાદ ભારતીય બોલર્સની સમસ્યા ઘટવાને બદલે વધી હતી. યંગની વિકેટ બાદ મિચેલ સાથે ફિલિપ્સ જોડાયો હતો અને તેણે ભારતીય બોલર્સને વધુ લાચાર બનાવી દીધા હતા.
ચોથી વિકેટ માટે મિચેલ અને ફિલિપ્સે મળીને 186 બોલમાં 219 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. મિચેલે સળંગ બીજી મેચમાં સદી નોંધાવતાં 131 બોલમાં 15 ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 137 રન ફટકાર્યા હતા. ગ્લેન ફિલિપ્સે પણ મજબૂત બેટિંગ કરીને શા માટે તેને ટીમનો આધારભૂત બેટર ગણવામાં આવે છે તે પુરવાર કરી દીધું હતું. 44મી ઓવરમાં આઉટ થતાં અગાઉ ફિલિપ્સે 88 બોલમાં 106 રન ફટકાર્યા હતા. તેણે ત્રણ સિક્સર ઉપરાંત નવ ચોગ્ગા ફટકાર્યા હતા.












