(Photo by Leon Neal/Getty Images)

બ્રિટનના વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોકે ગયા સપ્તાહે ગુરુવારે એક નાટકીય ઘટનાક્રમમાં શેડો જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ જેનરિકને તેમના પદેથી બરતરફ કર્યા હતા. બેડેનોકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટમાં દાવો કર્યો હતો કે, જેનરિક અત્યંત જમણેરી વિચારધારા ધરાવતી ‘રીફોર્મ યુકે’ પાર્ટીમાં જોડાવાનું કાવતરું ઘડી રહ્યા હોવાના “નકારી શકાય નહીં પુરાવા” મળ્યા છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકની સરકારમાં ઈમિગ્રેશન મિનિસ્ટર રહી ચૂકેલા 44 વર્ષના રોબર્ટ જેનરિકની પાર્ટીમાંથી પણ હકાલપટ્ટી કરાઈ છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમનું સભ્યપદ અને વ્હિપ પાછો ખેંચી લેતા હવે તેઓ સંસદમાં એક અપક્ષ સભ્ય તરીકે બેસશે. અહેવાલો મુજબ, નાઈજલ ફરાજની આગેવાની હેઠળની એન્ટી-ઈમિગ્રેશન પાર્ટીમાં જોડાનારા તેઓ તાજેતરના અગ્રણી નેતા બનવાના હતા. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં જ અન્ય એક ભૂતપૂર્વ મિનિસ્ટર નદીમ ઝહાવી પણ રીફોર્મ યુકેમાં જોડાયા હતા.

પોતાના નિર્ણયનો બચાવ કરતા કેમી બેડેનોકે જણાવ્યું હતું કે, “મને એવા પુરાવા મળ્યા છે કે જેનરિક માત્ર પક્ષપલટાની તૈયારી જ નહોતા કરી રહ્યા, પરંતુ તેઓ કન્ઝર્વેટિવ પાર્ટી અને તેમના સાથીદારોને વધુમાં વધુ નુકસાન થાય તે રીતે આ પગલું ભરવાનું આયોજન કરી રહ્યા હતા. પક્ષનું રક્ષણ કરવું એ મારી જવાબદારી છે. બ્રિટિશ જનતા રાજકીય ખેંચતાણથી કંટાળી ગઈ છે અને હું આ ભૂલોનું પુનરાવર્તન થવા દઈશ નહીં.”

તેમણે જેનરિક પર ‘બેવફાઈ અને અપ્રમાણિકતા’નો આરોપ લગાવ્યો હતો. જુલાઈ 2024ની સામાન્ય ચૂંટણીમાં પક્ષના પરાજય પછી નેતૃત્વની રેસમાં જેનરિક બેડેનોકના હરીફ હતા.

આ ઘટનાક્રમ પર કટાક્ષ કરતા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે, “કન્ઝર્વેટિવ પાર્ટી ડૂબતું વહાણ છે અને તેના નેતાઓ રીફોર્મ યુકે તરફ ભાગી રહ્યા છે. જેનરિક મહિનાઓથી ઝેરી નિવેદનો આપી રહ્યા હતા, પરંતુ પક્ષ છોડવાની તૈયારીમાં હતા ત્યારે જ બેડેનોકે તેમને હટાવ્યા, જે તેમની નબળાઈ દર્શાવે છે.”

રીફોર્મ યુકેમાં પક્ષપલટાનો આ સિલસિલો સતત વધી રહ્યો છે. લી એન્ડરસન અને ડેની ક્રુગર જેવા નેતાઓ પછી હવે અનેક ભૂતપૂર્વ સાંસદો પણ નાઈજલ ફરાજની પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, 2024માં હારી ગયા હોય કે રાજીનામું આપ્યું હોય તેવા 21 ભૂતપૂર્વ સાંસદો અત્યાર સુધીમાં રીફોર્મ યુકેનો હાથ પકડી ચૂક્યા છે. બીજી તરફ, નાઈજલ ફરાજે જેનરિક સાથે કોઈ ચોક્કસ ડીલ થયાનો ઈન્કાર કર્યો છે, પરંતુ સ્વીકાર્યું છે કે તેઓ ભવિષ્યની યોજનાઓ અંગે સંપર્કમાં રહેલા અનેક નેતાઓમાંથી એક હતા.

LEAVE A REPLY