નાસાના ઇન્ડિયન અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 27 વર્ષની સફળ સેવા પછી નિવૃત્તિ લીધી છે. નાસામાં તેમની કારકિર્દી 2006માં શરૂ થઈ હતી જ્યારે તેમણે STS-116 મિશન પર સ્પેસ શટલ ડિસ્કવરીમાં પ્રથમ ઉડાન ભરી હતી. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ત્રણ મિશન પૂર્ણ કર્યા હતાં અને અવકાશમાં સૌથી લાંબી અવધિ અને સ્પેસવોક સહિત અનેક અવકાશ રેકોર્ડ બનાવ્યા હતાં.

નાસાના અધિકારીઓ અને તેમના સાથીદારોના જણાવ્યા અનુસાર, વિલિયમ્સે માત્ર અવકાશ સંશોધન અને મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે પ્રેરણા અને નેતૃત્વનું ઉદાહરણ પણ રજૂ કર્યું છે. તેમની કારકિર્દી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં મહિલા અવકાશયાત્રીઓ માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે સેવા આપી છે.
સુનિતા વિલિયમ્સે તેમની કારકિર્દી દરમિયાન અવકાશમાં કુલ 608 દિવસ વિતાવ્યા હતાં, જે કોઈ અમેરિકન મહિલા દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ સમય છે. તેમણે નવ સ્પેસવોક પૂર્ણ કર્યા, કુલ 62 કલાક અને 6 મિનિટ, જે કોઈ મહિલા દ્વારા અત્યાર સુધીનો સૌથી લાંબો સમય છે. તેઓ અવકાશમાં મેરેથોન દોડનારા પ્રથમ મહિલા છે. આ સિદ્ધિઓ માત્ર તેમની વ્યક્તિગત કારકિર્દી માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ માનવ અવકાશ સંશોધનમાં નવા ધોરણો પણ સ્થાપિત કરે છે.

LEAVE A REPLY