અમેરિકા સ્થિત ભૂતપૂર્વ બ્રિટિશ રાજદૂત પીટર મેન્ડેલસને અમેરિકાના સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઇનના સાથેના સંબંધો બદલ આ સેક્સકાંડના પીડિતોની માફી માગી હતી. આ મુદ્દે ગયા સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં બ્રિટનના ટોચના રાજદ્વારી પદેથી મેન્ડેલસને બરતરફ કરાયા હતાં.
આ પછી રવિવારે પ્રસારિત થયેલા તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં તેમણે માફી માગી ન હતી અને તેથી તેમની વ્યાપક ટીકા થઈ હતી. આ ટીકા પછી એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે એપસ્ટેઇન દોષિત ઠર્યા પછી તેમના પર વિશ્વાસ કરવો અને પછી પણ તેમની સાથે મારો સંબંધ ચાલુ રાખવો તે મારો ખોટો નિર્ણય હતો. આ સેક્સકાંડમાં જે મહિલાઓ અને છોકરીઓએ ભોગવ્યું છે તેમની હું માફી માંગુ છું.
2008માં બાળ જાતીય ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા પછી પણ એપસ્ટેઇન સાથે સંપર્ક જાળવી રાખતા ઈમેલ બહાર આવ્યા બાદ વડાપ્રધાન કેર સ્ટાર્મરે ચાર મહિના પહેલા આ ભૂતપૂર્વ સ્પિન ડૉક્ટર અને ભૂતપૂર્વ સરકારી પ્રધાનને બરતરફ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગે હોવાથી એપસ્ટેઇનને તેના જીવનના “જાતીય બાજુ”માંથી તેમને બાકાત રાખ્યાં હતાં.













