અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટે સરકારી એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓને તાત્કાલિક અસરથી નવી H-1B વિઝા અરજીઓ કરવાનું બંધ કરવાનો મંગળવારે આદેશ આપ્યો હતો. આનાથી સરકારી એજન્સીઓ અને યુનિવર્સિટીઓ માટે H-1B વિઝા હેઠળના નવા વિદેશી શ્રમિકોની ભરતી કરવાનું મુશ્કેલ બનશે. ટેક્સાસના આ નિર્ણયથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને ફટકો પડવાની ધારણા છે. આ નિર્ણય મે 2027 સુધી અમલમાં રહેશે.
આદેશમાં જણાવામાં આવ્યું હતું કે ટેક્સાસ વર્કફોર્સ કમિશનની લેખિત મંજૂરી ન મળે ત્યાં સુધી સરકારી એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓએ નવી અરજી કરી શકશે નહીં.
ટેક્સાસમાં સરકારી સંસ્થાઓએ H-1B ઉપયોગ અંગે પણ રિપોર્ટ કરવો પડશે, જેમાં વિઝાધારકોની સંખ્યાઓ, નોકરીની ભૂમિકાઓ, મૂળ દેશો અને વિઝા સમાપ્તિ તારીખોનો સમાવેશ થાય છે. ટેક્સાસમાં અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ છે અને તેમાં હજારો એચવીનબી વિઝા ધારકો રહે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ સમગ્ર વિઝા પ્રોગ્રામમાં ધરખમ ફેરફાર કરી રહ્યું છે ત્યારે નવી અરજીઓ પર પ્રતિબંધ મૂકાયો છે.
ગવર્નર અબોટે જણાવ્યું હતું કે ફેડરલ H-1B વિઝા પ્રોગ્રામમાં દુરુપયોગના તાજેતરના અહેવાલોને ધ્યાનમાં રાખી અને અમેરિકન નોકરીઓ અમેરિકન કામદારોને મળે તે સુનિશ્ચિત કરવા માટે હું તમામ સરકારી એજન્સીઓને આ પત્રમાં દર્શાવેલ નવી H-1B વિઝા અરજીઓ તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપી રહ્યો છું.
ટેક્સાસની સરકારી યુનિવર્સિટીઓ એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સેંકડો વિદેશી ફેકલ્ટી અને સંશોધકોને રોજગારી આપે છે, જેમાં ઘણા ભારતના છે. વિશ્લેષકો જણાવ્યું હતું કે આવા નિર્ણયથી ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોની ભરતી બંધ થશે અને તેનાથી શૈક્ષણિક સંશોધન અને ઇનોવેશનને અસર થશે
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ ગયા વર્ષના 19 સપ્ટેમ્બરે આ આદેશ જારી કરીને H1-B વિઝાની ફરી વધારીને એક લાખ ડોલર કરી હતી.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)ના ડેટા અનુસાર તાજેતરના વર્ષોમાં મંજૂર કરાયેલી કુલ H-1B અરજીઓમાં ભારતીયોની અરજીઓનું પ્રમાણ અંદાજે 71 ટકા રહ્યું હતું. આ પ્રોગ્રામનો બીજો મોટા લાભાર્થી દેશ ચીન છે. અમેરિકાની ખાસ કરીને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રમાં આ પ્રોગ્રામ હેઠળ વિદેશી કર્મચારીઓને લાવતી હોય છે.













