અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 22 જાન્યુઆરી જાહેરાત કરી હતી કે, તેઓ ચૂંટણીના વિરોધાભાસી સર્વેના મુદ્દે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ સામે દાવો કરશે અને તેને તેમણે કથિત ‘નકલી’ સર્વેક્ષણો કહીને તેને ગુનાઇત કાર્ય ઠેરવવા જણાવ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સ-સીએના યુનિવર્સિટીના સર્વેના તારણો જાહેર થયા પછી ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી હતી. આ સર્વેમાં 79 વર્ષીય રીપબ્લિકન માટે માત્ર 40 ટકા સમર્થન મળ્યું હતું, જે તેમના બીજા કાર્યકાળના એક વર્ષ પછી ઘટી રહેલા સમર્થનને દર્શાવનારા અન્ય સર્વે જેવો જ હતો.
ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, ‘ધ ટાઇમ્સ સીએના પોલને ન્યૂયોર્ક ટાઈમ્સ સામેના મારા કેસમાં જોડવામાં આવશે. તેમને તેમના તમામ કટ્ટર ડાબેરી જૂઠાણા અને ખોટા કામ કરવા માટે સંપૂર્ણ જવાબદાર માનવામાં આવશે. નકલી અને છેતરપિંડીયુક્ત સર્વેને હકીકતમાં એક ગુનાઇત કૃત્ય માનવું જોઈએ.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અગાઉ બીબીસી, સીએનએન, વોલ સ્ટ્રીટ જર્નલ, સીબીએસ અને એબીસી સહિતની મીડિયા કંપનીઓ સામે અનેક માનહાનિના કેસ દાખલ કર્યા હતા. કેટલાક કેસમાં મલ્ટિ મિલિયન ડોલરનું સમાધાન કરીને તેનો અંત આવ્યો હતો.













