નવી દિલ્હીની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ઝુકાવતાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ ચૂંટણી બે કરોડ દિલ્હીવાસી અને ભાજપના 200 સાંસદો વચ્ચે ખેલાઇ રહી છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે દિલ્હી જીતવા ભાજપે 200 સાંસદો. 70 પ્રધાનો અને વિવિધ રાજ્યોના 11 મુખ્ય પ્રધાનોને અહીં તેડાવ્યા હતા.

ભાજપે આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધી હતી. કેજરીવાલે પોતાની સભામાં મતદારોને કહ્યું કે તમે આપને જ મત આપજો. બહારના રાજ્યના કોઇ તમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવે ત્યારે પૂછજો કે દિલ્હી વિશે અને દિલ્હીગરાની સમસ્યાઓ વિશે તમે શું જાણો છો.

અહીં પ્રચાર કરવા આવ્યા છો પરંતુ અહીંની પરિસ્થિતિ કે અહીંની સમસ્યાઓ વિશે કંઇ જાણતા હો તો કહો. એમને પૂછજો કે તમારા રાજ્યમાં લોકોને કેટલા કલાક વીજપુરવઠો મળે છે, કેટલા કલાક પીવાનું પાણી મળે છે અને એ માટે દરેક નાગરિક સરેરાશ કેટલાં નાણાં ચૂકવે છે.

એમને કહેજો કે તમને પીવાનું પાણી અને વીજળી મફત મળે છે. ભાજપ આ બંને જીવનજરૂરી ચીજો મફત આપશે કે કેમ એ પણ પૂછજો.કેજરીવાલના આ પ્રવચન પછી આપના ઘણા નેતાઓએ ટ્વીટર પર લખ્યું હતું કે એકલવીર અરવિંદ કેજરીવાલ સામે આખો ભાજપ ખડો છે.