નિર્ભયાના ચારેય દોષિતોને હવે કાલે શનિવારે સવારે 6 વાગે ફાંસી પર નહીં લટકાવવામાં આવે. પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની ફાંસી ટાળી દીધી છે. કોર્ટે આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફાંસી પર સ્ટે લગાવી દીધો છે. આ બીજી વખત છે જ્યારે દોષિતોની ફાંસી ટાળવામાં આવી છે. આ પહેલાં દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસી નક્કી કરવામાં આવી હતી. દોષી પવન ગુપ્તાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગેંગરેપ સમયે તે સગીર હોવાની અરજી ફગાવી દીધી હતી.
હવે પવને આ જ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી જે સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે. આજે ચારેય દોષિતોમાં સામેલ અક્ષય ઠાકુર અને વિનય શર્માની અરજી પર દિલ્હીમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુરુવારે બંને દોષિતોના વકીલ એપી સિંહે કોર્ટને 1 ફેબ્રુઆરીએ ફાંસી પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી. વકીલે અરજીમાં કોર્ટને જણાવ્યું છે કે, હજી તેમની પાસે દયાની અરજી લઈને અન્ય કાયદાકીય વિકલ્પ છે. આ સંજોગોમાં ડેથ વોરન્ટ પ્રમાણે 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા ન આપી શકાય.
આ મામલે કોર્ટે તિહાર જેલ પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો છે. શક્ય છે કે, આજે કોર્ટ દોષિતો માટે નવો ડેથ વોરન્ટ જાહેર કરી શકે છે. દોષી પવનની અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે, વિનયે દયા અરજી કરી છે. તેથી તે અરજીનો ઉકેલ ન આવે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. પરંતુ બાકીના 3ને 1 ફેબ્રુઆરીએ ફાંસી લગાવવાથી કોઈ નિયમનું ઉલ્લંઘન નહીં થાય. આ વિષે દોષીતના વકીલ એપી સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં તેમણે પવન ગુપ્તાના સગીરની પુન:વિચારણાં અરજી દાખલ કરી છે. હજી તે વિશે સુનાવણી બાકી છે.