અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પને આવકારવા માટે થનગની રહેલા અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ સ્લોગનનો ઉપયોગ કરાઈ રહ્યો હતો. પરંતુ હવે આ કાર્યક્રમ ગુજરાત સુધી સીમિત નહીં રાખતાં રાષ્ટ્રીય બનાવવા માટે ગુજરાત સરકારે ‘નમસ્તે ટ્રમ્પ’ સ્લોગન કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ‘નમસ્તે ટ્રમ્પ’ સ્લોગન સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. રાજ્ય સરકારે ‘કેમ છો ટ્રમ્પ’ને બદલે ‘નમસ્તે પ્રેસિડન્ટ ટ્રમ્પ’ના નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાત સરકારને ‘નમસ્તે ટ્રમ્પ’ થીમ પર જ પ્રચાર કરવા કહી દીધું છે.
ભારતના ટોચના ક્રિકેટરોને આમંત્રણ અપાશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્કારમાં અમદાવાદના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમ-મોટેરા ખાતે ભવ્યાતિભવ્ય સમારોહ ‘કેમ છો ટ્રમ્પ’ યોજાશે. આ સમારોહ સાથે જ મોટેરા સ્ટેડિયમનું પણ ઉદ્ઘાટન થશે. મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન અને ‘કેમ છો ટ્રમ્પ’ માટે પૂર્વ કેપ્ટન-બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલી ઉપસ્થિત રહેશે. ‘કેમ છો ટ્રમ્પ?’માટે સચિન તેંડુલકર, કપિલદેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજો તેમજ ગુજરાતના ઇરફાન પઠાણ-પાર્થિવ પટેલને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે.
અઢી કલાક ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં રહેશે
દુનિયનું આ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અંદાજે રૂ. 700 કરોડના ખર્ચે બનાવાયું છે. તેમાં અંદાજે 1,10,000 લોકોની બેસવાની વ્યવસ્થા છે. અંદાજે અઢી કલાક સુધી ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં રહેશે. કહેવાય છે કે ‘હાઉડી મોદી’ની જેમ જ આ વખતે મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિની વચ્ચે ‘દોસ્તી’નો એક અલગ જ રંગ જોવા મળી શકે છે. અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં હાઉડી મોદી કાર્યક્રમમાં 40000 લોકોએ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. આ વખતે અંદાજે એક લાખ લોકો મોટેરામાં આવશે. ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કરાશે.
મેલાનિયા ટ્રમ્પે મોદીનો આભાર માન્યો
ભારત પ્રવાસ પર આવતા પહેલા મેલેનિયા ટ્રમ્પે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને ભારતમાં આવવા માટે આમંત્રણ મોકલવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ ભારત પ્રવાસ માટે ખૂબ જ ઉત્સાહિત છે. મેલેનિયા ટ્રમ્પે ટ્વીટ કરતા કહ્યું કે, ‘અમને આમંત્રીત કરવા બદલ ડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર. હું અને POTUS (પ્રેસિડેન્ટ ઓફ ધ યુએસ) આ પ્રવાસ માટે અને ભારત તેમજ અમેરિકાના સંબંધો વધારે ગાઢ બને તે માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.’
ટ્રમ્પ વસ્ત્રાપુરની હોટેલ હયાતમાં રોકાશે
અમદાવાદના વસ્ત્રાપુરની હોટેલ હયાત અને આશ્રમ રોડની હયાત રિજન્સીમાં ૨૨ થી ૨૬ કોઈપણ વ્યક્તિ માટે બુકિંગ બંધ કરવામાં આવ્યા છે. ઓનલાઈન કે ફોન પર હોટેલ દ્વારા બુકિંગ લેવાતા નથી. બહારની કોઈપણ વ્યક્તિ માટે બંને હોટેલમાં એક પણ રૂમ ઉપલબ્ધ નથી તેવું સાઈટ પર જણાવ્યું છે. એટલે કે ટ્રમ્પ વસ્ત્રાપુરની હોટેલ હયાતમાં અને તેમનો સ્ટાફ આશ્રમ રોડની હયાતમાં રહેશે. અગાઉ ચીનના પ્રમુખે પણ આ હોટેલમાં રોકાણ કર્યું હતું.
કયો રૂટ અપનાવો એ છેલ્લી ઘડીએ નક્કી થશે
અમદાવાદ શહેર પોલીસ સહિતની એજન્સીઓ રસ્તાના અને હવાઇ માર્ગે એમ એ, બી, સી ત્રણ બંદોબસ્તની સ્કિમ બનાવશે. આ ત્રણે સ્કીમમાંથી ક્યા રસ્તે જવું તે છેલ્લા સમય સુધી ગુપ્ત રાખવામાં આવે છે અને તેમાં પણ પ્રેસિડેન્ટની સિક્યુરિટી માટે જવાબદાર સિક્રેટ સર્વિસિઝ આ અંગે છેલ્લી ઘડીએ ફાઈનલ કરશે. સિક્રેટ સર્વિસિઝની એક ટીમ અગાઉથી આવી આમ આની સઘળી વિગતોની આગોતરી ચકાસણી કરશે. તમામ સ્કીમ અંગે શહેર પોલીસ અને એજન્સીઓએ તૈયારી રાખવાની રહેશે. ટ્રમ્પ આવશે તે દિવસે તમામ ફ્લાઇટ પણ ડાઇવર્ટ કરાશે. ટ્રમ્પ અમદાવાદમાં આવશે ત્યારે સુરક્ષા થ્રી લેયરમાં તૈયાર રહેશે. તેમાં પણ અલગ અલગ રસ્તા અને હવાઇ માર્ગ એમ અલગ અલગ એ,બી,સી એમ ત્રણ પ્રકારની સ્કિમ તૈયાર કરાશે. આ તમામ સ્કિમ અને પોલીસનો બંદોબસ્ત તૈનાત રહેશે. જોકે ટ્રમ્પ અંગે સૌથી વધુ થ્રેટ હોવાના કારણે તેમને સૌથી વધુ સુરક્ષા આપવામાં આવે છે. તેના જ કારણે તેમના છેલ્લા સમયના નિર્ણય અત્યંત ગુપ્ત હોય છે. ટ્રમ્પ અમદાવાદ પહોંચે પછી જ કયા રસ્તે સ્ટેડિયમ જશે તે નિર્ણય યુએસ માર્શલના ચીફ લેશે.
૩ કિલોમીટર સુધી નોટિસો આપી
અમેરિકાના પ્રમુખ આવતા હોવાથી લાખો લોકો અમદાવાદમાં આવવાના છે. તેની તૈયારીના ભાગ રૂપે એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ આસપાસના ૩ કિલો મીટર સુધીના વિસ્તારમાં જેટલા લોકો રહે છે તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. રોજ ૫૦૦થી વધુ લોકોને નોટીસ આપી તેમની વિગતો ભેગી કરવામાં આવી રહી છે. તેમના ડેટા અમેરિકાની એજન્સીઓ પણ સાથે રાખશે. ઘરમાં કેટલા લોકો છે અને શુ કામ ધંધો કરે છે સહિત તમામ માહિતીની યાદી તૈયાર થઇ રહી છે. જે ભાડે રહે છે તેના ભાડા કરાર ન કર્યા હોય તો તેના વિરુદ્ધમાં ગુના નોધવા અથવા તો તેમને કરાર કરાવવાની તૈયારી થઇ રહી છે.
ભારત વિકસિત હોવાથી GSPના લાભ નહીં
અમેરિકાની ટ્રેડ ઓફિસે જણાવ્યું છે કે ભારત એક વિકસિત અર્થતંત્ર છે તેથી વિકાસશીલ દેશોને અપાતા લાભ મળવાપાત્ર નથી. ટ્રમ્પની મુલાકાત પહેલાં અમેરિકી ટ્રેડ ઓફિસના આ સંકેતે ભારતને ફરી અમેરિકાની જીએસપી સ્કીમ અંતર્ગત વિકાસશીલ દેશોને અપાતા લાભ મળે તેની આશા પર પાણી ફરી વળ્યું છે. ટ્રમ્પે જૂન ૨૦૧૯માં ભારતને જીએસપી અંતર્ગત મળતા લાભ રદ કર્યા હતાં.
આવનારા લોકોનું કંટ્રોલરૂમમાંથી ટ્રેકિંગ કરાશે
સાબરમતીનાં મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ-મોદીનાં કાર્યક્રમમાં બહારગામથી આવનારા લોકો સમયસર પહોંચે તેને માટે ગાંધીનગરમાં ખાસ કંટ્રોલ રૂમ ઊભો કરાઈ રહ્યો છે. હાલમા ગાંધીનગરમા સેકટર ૧૯મા સર્વ શિક્ષા અભિયાનનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે.આ જ રુમનો ઉપયોગ ટ્રમ્પ મોદીના કાર્યક્રમના કંટ્રોલ રુમ તરીકે કરાશે.આ કંટ્રોલ રૂમ માટે બનાવયેલી કમિટીની જવાબદારી એક સિનિયર IAS અધિકારીને સોંપાઈ છે.આ કંટ્રોલ રૂમની મુખ્ય જવાબદારી બહારગામથી આવતા લોકાને સમયસર કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડવાની રહેશે. કંટ્રોલ રૂમમાંથી જ અધિકારીઓ વિવિધ જિલ્લામાંથી આવનારી બસોનું ટ્રેકિંગ કરશે.કુલ ૨૦૦૦ જેટલી બસો આવવાની છે.દરેક બસમાં એક પ્રતિનિધિ હશે.કંટ્રોલ રૂમ આવી તમામ બસોના ડ્રાઈવરો અને પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં રહેશે.જેને લઈને કંટ્રોલ રુમમાંથી જ જાણી શકાશે કે કઈ બસ ક્યાં પહોંચી છે.જો કોઈ બસને સમસ્યા ઉભી થશે તો કંટ્રોલ રુમના અધિકારીઓ દવારા તમામ પ્રકારની મદદ કરશે. આ કંટ્રોલ રૂમમાં ST તથા પોલિસને તૈનાત રખાશે. આવી રહેલી બસો સ્ટેડિયમ સધી પહોંચાડવા માટે તેઓ કો ઓર્ડિનેટરનુ કામ કરશે.
ગાંધીઆશ્રમ અને મોટેરામાં ટ્રમ્પ આવવાના હોવાથી આસપાસના ૩ કિલો મીટરમાં આવેલા તમામ ઘરે પોલીસ સર્ચ કરી રહી છે. તેમના ઘરના સભ્યો કેટલા, શુ કામ-ધંધો કરી રહ્યા છે અને વેપારીઓ સહિત તમામ માહિતી એકઠી કરવા પોલીસ લોકોના ઘરમાં જઈ તપાસ કરે છે અને નોટિસો આપી યાદી તૈયાર કરી છે.
લગ્નસમારંભોના આયોજન પર અસર પડશે
ટ્રમ્પના આગમન અગાઉના ત્રણ દિવસ પહેલાથી રૂટ પર આવતા તમામ રસ્તાની બારીકાઈપૂર્વક સઘન ચકાસણી શરૂ કરાશે. આ પરિસ્થિતિમાં જે પરિવારો દ્વારા ઘણાં સમય પહેલેથી આ તારીખોમાં એમના લગ્ન સહિતના સામાજિક પ્રસંગો કે મેળાવડાનું આયોજન કર્યું છે એ તમામના આયોજનો પર સુરક્ષાના કારણોસર થનારી તપાસથી અસર વર્તાશે.
એક અંદાજ મુજબ 22થી 24 ફેબ્રુઆરીએ બંનેના સંભવિત રૂટ હેઠળ આવતા વિસ્તારોમાં 200 જેટલા લગ્નોનું આયોજન છે. સાથે જ આ વિસ્તારમાં આવેલા મંદિરો અને અન્ય ધાર્મિક સંગઠનો દ્વારા ધાર્મિક આયોજનો પણ કરાયા છે. આ તમામ ઉપર 24 ફેબ્રુઆરીનો મુખ્ય કાર્યક્રમ પુરો ન થાય ત્યાં સુધી અસર જોવા મળશે. જેને લઈને આ વિસ્તારોમાં રહેતા સ્થાનિક રહીશોને પણ રસ્તા બંધ થઈ જવાથી પરેશાનીનો સામનો કરવો પડશે. ટ્રમ્પની મુલાકાતથી અમદાવાદ એરપોર્ટ પર 100 ફ્લાઇટોને અસર થશે. 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અડધો દિવસ ‘નો ફ્લાય ઝોન’ હશે.