વેસ્ટ લંડનના હંસલોમાં રહેતા અને હિથ્રો એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારી તરીકે સેવા આપતા 61 વર્ષના સુધીર શર્માનું બુધવારે તા. 22ના રોજ અવસાન થયું હતું. જ્યારે બીજે જ દિવસે તા. 23ના રોજ ઇસ્ટ સસેક્સની ઇસ્ટબોર્ન ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલમાં નોકરી કરતી તેમની 33 વર્ષની ફાર્માસિસ્ટ પુત્રી પૂજા શર્માનુ ત્રણ દિવસની સારવાર બાદ કરૂણ મૃત્યુ થયુ હતુ. આંતરે દિવસે પિતા-પુત્રીના કરૂણ મોત નિપજતા બ્રિટનમાં વસતા ભારતીય પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
હિથ્રો એરપોર્ટના ટર્મીનલ ત્રણ પર કામ કરતા અને મોતને ભેટેલા સુધીર શર્માને ‘અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી’ જેને કારણે તેમને કામ પરથી ગેરહાજર રહેવાની ફરજ પડી હતી, પરંતુ તાજેતરમાં તેઓ ફ્રન્ટલાઈન પર તેમની નોકરી પર પાછા ફર્યા હતા. છેલ્લે તેમણે તા. 7 જાન્યુઆરીના રોજ કામ કર્યુ હતુ. તેથી અધિકારીઓ માને છે કે તેમેણે ફરજ પર નહિ પણ સંભવત: બીજે ક્યાંકથી વાયરસનો ચેપ મેળવ્યો હશે.
સુધીર શર્મા ખૂબ જ મનોહર વ્યક્તિ હતા અને દરેક ઇમિગ્રેશન ઓફિસર તેમની જ વાતો કરી રહ્યા છે. આઇસોલેશનના કારણે તેમના પત્ની અંતિમક્રિયામાં ભાગ લઈ શકશે નહીં કે કેમ તેની ચિંતા છે.
હિથ્રોના બોર્ડર ફોર્સના ડિરેક્ટર નિક જરીવાલાએ ‘ધ સન’ પેપરને જણાવ્યુ હતુ કે ‘સુધીર ખૂબ જ આદરણીય, દયાળુ અને અનુભવી અધિકારી હતા. તેમને બધા ખૂબ જ મીસ કરશે.’