ભારતમાં એક તરફ આરોગ્ય મંત્રાલય તરફથી એવું કહેવાયું છે કે દેશમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટી નિકળ્યો છે. ભારતના ગૃહ મંત્રાલયે ઘણા શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, ખાસ કરીને મધ્યપ્રદેશના ઈન્દોર, મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે રાજસ્થાનના જયપુર, પશ્વિમ બંગાળના કોલકાતા, હાવડા, મેદનીપુર પૂર્વ, 24 ઉત્તર પરગના દાર્જીલિંગ, કેલિમ્પોંગ અને જલપાઈગુડીમાં સ્થિતિ ગંભીર છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17,545 અને 567 લોકોના મોત થયા છે. રવિવારે મહારાષ્ટ્રમાં 552, ગુજરાતમાં 367, તમિલનાડુમાં 105, રાજસ્થાનમાં 80, આંધ્રપ્રદેશમાં 44, યુપીમાં 125, પશ્વિમ બંગાળમાં 23, હરિયાણામાં14, બિહારમાં 7, ઝારખંડામાં 5, કર્ણાટકમાં 6 અને આંદામાન-નિકોબારમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આંકડા covid19india.org અને રાજ્ય સરકાર તરફથી માહિતી પ્રમાણે છે.

તો બીજી તરફ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવાર વચ્ચે દેશમાં 31 સંક્રમિતોનું મોત થયું છે. 1324 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ 16 હજાર 116 કેસ થઈ ગયા છે. જેમાં 13,295 એક્ટિવ કેસ છે. 2302 લોકોના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.