કોરોના સામે લડવા માટે જર્મન સરકારના પ્રયાસોની દુનિયાભરમાં સરાહના થઈ રહી છે. જર્મનીમાં કેસની સંખ્યા તો ૧.૬૩ લાખ છે, પરંતુ મૃત્યુઆંક સાત હજારથી પણ ઓછો રાખવામાં સરકાર સફળ રહી છે. એ પાછળનું એક કારણ સંખ્યાબંધ ટેસ્ટ છે. જર્મન સરકાર અત્યાર સુધીમાં ૨૫ લાખ કોરોના ટેસ્ટ કરી ચૂકી છે.
હવે આગામી સપ્તાહે વધુ ૯ લાખ ટેસ્ટનું સરકારનું આયોજન છે. કોરોનાને અટકાવવા માટે તેની હાજરી જાણવી અનિવાર્ય છે, હાજરી જાણવા માટે ટેસ્ટ કરવા અનિવાર્ય છે. માટે જે દેશો વધારે ટેસ્ટ કરે એ જ કોરોના સામે અસરકારક રીતે લડી શકે એ નક્કી વાત છે. મોટી સંખ્યામાં ટેસ્ટ કરી શકવા બદલ જર્મનીની મેડિકલ સિસ્ટમના પણ વખાણ થઈ રહ્યા છે.
સમગ્ર જગતમાં કોરોનાના ચેપગ્રસ્તની સંખ્યા ૩૩.૩૬ લાખથી વધારે થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક ૨.૩૫ લાખથી વધારે નોંધાયો છે. તેની સામે સાડા દસ લાખથી વધારે દરદી સાજા પણ થયા છે. કોરોનાનો વૈશ્વિક મૃત્યુદર ઘટીને ૧૮ ટકા થયો છે, જે થોડા દિવસો રહેલા ૨૧ ટકા હતો. પાકિસ્તાનની સંસદના સ્પીકર અસદ કાસિરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પાકિસ્તાનમાં ૧૭ હજારથી વધારે કેસ અને ૪૦૦થી વધારે મોત નોંધાયા છે.
રશિયામાં કોરોનાના કેસ રોકેટ ગતીએ વધી રહ્યાં છે. ત્યાં છેલ્લા એક દિવસમાં ૭૯૩૩ નવા કેસ નોંધાયા હતા. રશિયામાં કેસની સંખ્યા વધીને ૧.૧૪ લાખે પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક ૧૨૦૦થી પણ ઓછો છે. પરંતુ રશિયામાં વધી રહેલા કેસો ચિંતાનું કારણ બની રહ્યા છે. રશિયામાં ખાસ તો ડૉક્ટર પણ મૃત્યુ પામી રહ્યા છે. રશિયામાં કોરોના મોરચે કામ કરી રહેલા વોરિયર્સ માટે પુરતી મેડિકલ ફેસેલિટી પણ નથી. એ બધા વચ્ચે લૉકડાઉનને કારણે ૬૦ લાખ લોકો બેકાર થાય એવી શક્યતા છે.
આ તરફ અમેરિકામાં ૨૪ કલાક દરમિયાન ૨ હજાર મૃત્યુ નોંધાયા હતા. ત્યાં કુલ કેસ ૧૧ લાખને પાર થયા છે, જ્યારે મૃત્યુ ૬૪ હજારથી વધુ નોંધાયા છે. અમેરિકામાં સૌથી વધુ ૩ લાખ કેસ એકલા ન્યુયાર્ક સ્ટેટમાં છે. ન્યુયોર્ક શહેરની જગવિખ્યાત સબ-વે ટ્રેન રોજ રાતે બંધ કરી દઈ તેને જંતુંમુક્ત કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં આ ટ્રેન સિસ્ટમ ચોવીસેય કલાક ચાલતી રહે છે.
દક્ષિણ આફ્રિકાએ આજે લૉકડાઉનમાં મહદઅંશે રાહત આપી દીધી હતી. દક્ષિણ આફ્રિકી સરકારે કહ્યું હતું કે લૉકડાઉન લંબાવ્યે રાખીશું તો ભુમખરો આંબી જશે અને અર્થતંત્ર પણ ખાડે જશે. અલબત્ત, સરકારે લૉકડાઉન ખોલવામાં આંધળુકિયા નથી કર્યાં પરંતુ વિવિધ સેક્ટર નક્કી કરી તેમાંથી પ્રાયોરિટી પ્રમાણે ખેતી, નાના ઉદ્યોગો વગેરેને છૂટછાટ આપી દીધી છે. લોકોને પણ બહાર નીકળવાની છૂટ મળી ગઈ છે. દક્ષિણ આફ્રિકા ઉદ્યોગ આધારીત દેશ હોવાથી તેને કડક લૉકડાઉન લાંબો સમય સુધી પોસાય એમ નથી. ત્યાં કેસની સંખ્યા ૫૭૦૦થી ઓછી છે અને મૃત્યુ આંક ૧૦૩ નોંધાયો છે.