ગુજરાતી ફિલ્મો, નાટક અને બોલીવૂડ ફિલ્મોના પીઢ અભિનેતા પરેશ રાવલને દર્શકો હેરા ફેરી સીક્વલની ફિલ્મનાં ખૂબ જ જાણીતા પાત્ર બાબુરાવથી પણ ઓળખે છે. આ સીક્વલની નવી ફિલ્મ છોડવાની વાત અને અક્ષયકુમારની પ્રોડક્શન કંપની દ્વારા તેમના પર કેસ થયો હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી. પરંતુ હવે તમામ લોકો વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું બહાર આવ્યું છે. ફિલ્મમાં પરેશ રાવલ બાબુ ભૈયા તરીકે જોવા મળશે હવે અક્ષયકુમારે પણ જાહેર કરી દીધું છે કે, તમામ વિવાદોનો અંત આવ્યો છે. અંતે હવે ‘હેરા ફેરી 3’નું નિર્માણ કાર્ય શરૂ થશે.
પરેશ રાવલે આ અંગે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે કોઈ કામ બધાને બહુ ગમે તો તમારી જવાબદારી વધી જાય છે. તમે કોઈ વાતને અવગણી ન શકો. બધું હવે બરાબર છે.’
તેમણે એમ પણ કહ્યું કે અક્ષયકુમાર, સુનિલ શેટ્ટી અને પ્રિયદર્શન લાંબા સમયથી તેમના મિત્રો છે, તેમની સાથે કામ કરવાનું ક્યારેક મજા આવે તો ક્યારેક પડકારજનક સ્થિતિ પણ હોય છે.
એવું પણ કહેવાય છે કે, બે મહિનાથી ચર્ચામાં રહ્યા પછી અચાનક પરેશ રાવલે ફિલ્મમાં પરત આવવાની જાહેરાત કરી છે. તેનાથી ફિલ્મના દર્શકો ખુશ છે. સાજિદ નડિયાદવાલા અને અહેમદ ખાને પણ આ બધા વિવાદોમાં સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ અંગે ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું હતું કે, ‘મારા ભાઈ સાજિદના પ્રેમ, માન અને માર્ગદર્શન તેમજ અહેમદ ખાનની મદદથી હેરા ફેરી પરિવાર પાછો એકસાથે આવી ગયો છે. સાજિદે આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં પોતાનો સમય અને મહેનત આપ્યા છે. અમારો 50 વર્ષ જુનો સંબંધ છે.
અહેમદ ખાને પણ વ્યક્તિગત રીતે ઘણી મહેનત કરી છે. હવે બધું જ કામ કરે છે અને હકારાત્મક છે. અક્ષયકુમારે તેની ક્ષમતા બહાર જઈને મદદ કરી છે. અમને અક્ષયજીની પણ ઘણી મદદ મળી છે. અમારે બંનેને 1996થી ઘણા સારા સંબંધ છે. એ બહુ દયાળુ છે, પ્રેમ કરે છે અને લાગણીશીલ છે, તેણે સમગ્ર પ્રક્રિયામાં ઘણી મદદ કરી. પ્રિયનજી, પરેશજી અને સુનિલજીએ પણ ઘણો સહકાર આપ્યો છે. અમે બસ હવે એક સારી અને મજાની ફિલ્મની જ રાહ જોઈએ છીએ.’ આ સમગ્ર પ્રક્રિયામાં સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા મુજબ આ ફિલ્મ સાથે જોડાયેલાં બધાંને એકસાથે સહમત કરવામાં સાજીદે ઘણા પ્રયત્ન કર્યા છે. અક્ષય પણ મોટા મનનો માણસ છે એટલે એણે પણ બધા સાથે બેસીને ચર્ચા કરવામાં જરા પણ આનાકાની કરી નહીં, સાજીદ એનો બાળપણનો મિત્ર છે અને બંનેએ પારદર્શક ચર્ચા કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન પણ પ્રિયદર્શન જ કરશે, તેથી આ ફિલ્મ પણ કોમેડીથી ભરપુર હોવાની આશા છે.
