(ANI Photo)

અમદાવાદમાં એર ઇન્ડિયા AI171 વિમાન દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવનારા ઘણા બ્રિટિશ પરિવારોએ ન્યાય મેળવવા અને સત્ય જાણવાના ‘ગંભીર પ્રશ્નો’ના જવાબ મેળવવા માટે લંડન સ્થિત કીસ્ટોન લો નામની લો ફર્મનો વિધિવત સંપર્ક કર્યો છે. આ અંગે આ લો ફર્મે ગુરુવારે માહિતી આપી હતી. વિમાન દુર્ઘટનાની તપાસનો પ્રારંભિક અહેવાલ જારી થયા પછી ન્યાય અને સત્યની કાનૂની પ્રક્રિયા ચાલુ થશે.

કીસ્ટોન લોએ જણાવ્યું હતું કે ઉડ્ડયન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના સમર્થન સાથેની તેની એવિયેશન ટીમ બે ચોક્કસ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં રેમ એર ટર્બાઇન (RAT)ના ડિપ્લોયમેન્ટ અને તેના પરિણામે એન્જિનમાં થ્રસ્ટ ન મળવાની બાબતનો સમાવેશ થાય છે.

કંપનીના એવિયેશન પાર્ટનર્સ જેમ્સ હીલી-પ્રેટ અને ઓવેન હેના કાનૂની પ્રક્રિયાના સંબંધમાં લગભગ 20 બ્રિટિશ પરિવારો સાથે સહયોગ કરી રહ્યાં છે. બીજી તરફ એર ઇન્ડિયા અને ઉડ્ડયન વીમા કંપનીઓ દ્વારા નિયુક્ત લંડનના વકીલો વચગાળાની ચુકવણીઓની કામગીરી કરી રહ્યાં છે.

હીલી-પ્રેટે જણાવ્યું હતું કે AI171 પરિવારો માટે આ અતિ સંવેદનશીલ સમય છે અને અમે યુકે અને યુએસમાં વિવિધ પ્રક્રિયાઓ દ્વારા તેમને ટેકો આપી રહ્યા છીએ. હવાઈ સલામતીના પાસાઓ પર અમારી તકનીકી તપાસ ટીમ માને છે કે RAT આપમેળે તૈનાત કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે ટેક-ઓફના નિર્ણાયક પોઇન્ટે સિસ્ટમમાં ગંભીર નિષ્ફળતા આવી હતી.

ટેકનિકલ તપાસનું નેતૃત્વ કરતી ટીમમાં ઈંગ્લેન્ડ અને વેલ્સના પ્રખ્યાત એવિયેશન બેરિસ્ટર જોન કિમ્બેલ કેસી, ભૂતપૂર્વ યુએસ નેવી એવિએટર અને વર્જિનિયામાં ઉડ્ડયન વકીલ ડેનિયલ ટી. બાર્ક્સ અને યુકે રોયલ એર ફોર્સ (RAF)ના ફાસ્ટ જેટ અને બોઇંગના ભૂતપૂર્વ કેપ્ટનનો સમાવેશ થતો હોવાનું માનવામાં આવે છે.

હીલી-પ્રેટે જણાવ્યું હતું કે તે પ્રારંભિક તપાસ અહેવાલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અમે પુરાવાઓના આધારે અમારા પરિવારોને અનેક શક્યતાઓ માટે તૈયાર કરી રહ્યાં છીએ, કારણ કે અમે હંમેશા ખૂબ સ્પષ્ટ રહ્યા છીએ કે અમારી સલાહ પુરાવા આધારિત હોય છે. પ્રારંભિક તપાસના  તારણોના આધારે બોઇંગ સામે ન્યાય અને સત્યની કાનૂની પ્રક્રિયા ચાલુ થઈ શકે છે, જે લંડનની હાઇકોર્ટ અથવા વર્જિનિયાની યુએસ ફેડરલ કોર્ટમાં હોઈ શકે છે. કેટલાંક લોકો માટે નાણાકીય ન્યાય પણ એક હિસ્સો હશે. અમેરિકા અસરગ્રસ્ત પરિવારોને ઉદારતાથી નાણાકીય ન્યાય પૂરો પાડે છે… અને એવું બની શકે છે કે નાણાકીય ન્યાય દરેક ગુમાવેલા પ્રિયજન માટે ૮ થી ૧૦ મિલિયન ડોલર હોઇ શકે. જે ઇંગ્લેન્ડમાં સરેરાશ નાણાકીય ન્યાય અથવા ભારતમાં સરેરાશ નાણાકીય ન્યાયથી ખૂબ જ અલગ છે.

કીસ્ટોન લોએ યુકેમાં રહેતા અસરગ્રસ્ત પરિવારોને સલાહ આપી રહી છે અને હવે ભારતમાંથી પણ કેટલાક લોકોએ તેનો સંપર્ક કર્યો છે.

 

LEAVE A REPLY