રશિયાની સરકારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા આપી છે. રશિયાના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે તેણે તાલિબાન દ્વારા મોકલાયેલા નવા એમ્બેસેડેરના ઔપચારિક દસ્તાવેજો સ્વીકાર્યા છે. હવે રશિયા વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો છે, જેણે તાલિબાનને આવી માન્યતા આપી હોય.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન સાથે મજબૂત સંબંધોની શક્યતાઓ છે. રશિયન સરકારે વધુમાં કહ્યું છે કે તે કાબુલ સરકાર સાથે ત્રાસવાદ વિરોધી લડત, ડ્રગ્સની હેરાફેર અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર સહકાર આપે છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે ઊર્જા, કૃષિ, પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં વેપારના મોટા તકો પણ મહત્વપૂર્ણ હોવાની તેમની વચ્ચે ચર્ચા થઇ હતી. તાલિબાનના વિદેશ પ્રધાન આમિરખાન મુત્તાકીએ આ સ્વીકૃતીને ‘સાહસિક પગલું’ કહીને આશા વ્યક્ત કરી છે કે અન્ય દેશો પણ તેમને માન્યતા આપશે. જોકે અત્યાર સુધીમાં કોઈ પણ દેશે તાલિબાનને ઔપચારિક માન્યતા આપી નથી.

2021માં અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચ્યા પછી તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા મેળવી હતી. ત્યારથી આંતરરાષ્ટ્રીય સ્તરે તાલિબાન અલગ રહ્યું છે. જોકે, કેટલાક દેશોએ માન્યતાની દિશામાં પગલાં ભર્યાં છે. ચીન, યુએઇ, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાને કાબુલમાં પોતાના એમ્બેસેડરની નિમણૂક કરી છે, પણ હજુ સુધી ઔપચારિક સ્વીકૃતી આપી નથી.

રશિયાના આ નિર્ણયને તાલિબાન માટે એક મોટી કૂટનૈતિક જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. રશિયાએ 2003માં તાલિબાનને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું હતું, પણ એપ્રિલ 2024માં આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને અગાઉ કહ્યું જ હતું કે, તાલિબાન હવે ત્રાસવાદના વિરોધ મુદ્દે સહકાર આપી રહ્યું છે.

2022થી તાલિબાન શાસિત અફઘાનિસ્તાન રશિયાથી તેલ, ગેસ અને ઘઉંની આયાત કરે છે. માર્ચ 2024માં રશિયાના એક કોન્સર્ટ હોલ પર ઈસ્લામિક સ્ટેટના હુમલામાં 149 લોકોના મોત થયા હતા. અમેરિકાએ દાવો કર્યો હતો કે, આ હુમલાની પાછળ અફઘાનિસ્તાનસ્થિત ISIS-K સંગઠન જવાબદાર છે. આ ઘટનાને કારણે રશિયા માટે અફઘાનિસ્તાનનો સહકાર વધુ વ્યૂહાત્મક રીતે જરૂરી બની ગયો છે.

LEAVE A REPLY