કોરોનાના સંકટ સમયે ભારત આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે. કોરોના વાઈરસની લડતમાં વ્યક્તિગત સલામતી પોશાક એટલે કે પીપીઈ કિટ મુખ્ય સુરક્ષા કવચ છે. પીપીઈ કિટ કોરોના વોરિયર્સને કોરોના સંક્રમણથી બચાવે છે અને માત્ર બે મહિનામાં ભારત દુનિયામાં સૌથી વધારે પીપીઈ કિટ બનાવનારો બીજો દેશ બની ગયો છે.
સરકારે ગુરૂવારે એ જાણકારી આપી કે ભારત બે મહિના કરતા ઓછા સમયમાં જ વ્યક્તિગત સલામતી પોશાકનુ ઉત્પાદન કરતો દુનિયાનો બીજો દેશ બન્યો છે. આ ક્ષેત્રે માત્ર ચીન ભારત કરતા આગળ છે. ચીન પીપીઈનુ સૌથી મોટુ મેન્યુફેક્ચરીંગ કરે છે.કાપડ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે તેમણે પીપીઈની ગુણવત્તા અને જથ્થો બંનેમાં સુધારો લાવવા માટે કેટલાક પગલા ઉઠાવ્યા છે.
એ જ કારણ છે કે ભારત બે મહિનાથી પણ ઓછા સમયમાં પીપીઈનુ બીજુ સૌથી મોટુ મેન્યુફેક્ચર બની ગયુ છે. મંત્રાલયે એ પણ નક્કી કરવા માટે પગલા ઉઠાવ્યા છે કે સમગ્ર સપ્લાય ચેઇનમાં માત્ર પ્રમાણિત કંપનીઓ જ પીપીઈનો પુરવઠો પૂરો કરે. હવે કાપડ સમિતિ, મુંબઈ પણ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય કોરોના વોરિયર્સ માટે જરૂરી પીપીઈનુ પરીક્ષણ અને પ્રમાણીકરણ કરશે.