ડ્યુક ઑફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુએ કદી વિચાર્યું નહીં હોય કે તેમનુ શાહી જીવન તેમની કહેવાતી ભૂલોને કારણે સમાપ્ત થઈ જશે. પરંતુ હવે શાહી પરિવારે નક્કી કર્યું છે કે તેમના જેફરી એપ્સટાઇન સાથેના જોડાણોને કારણે જાહેર જીવનમાંથી નિવૃત્ત થવા કહી દેવાશે.
તેમની મહારાણી માતા હજી પણ 94 વર્ષની વયે કાર્યરત છે અને તેમના 98 વર્ષના પિતા તાજેતરમાં કી વર્કરોને ટેકો આપવા નિવૃત્તિમાંથી બહાર આવ્યા હતા ત્યારે 60 વર્ષની ઉંમરે પ્રિન્સ એન્ડ્રુનુ ભાવિ જાણે કે ખતમ થઇ ગયુ છે. ગયા વર્ષે જાહેર જીવનમાંથી પાછળ હટી ગયી બાદ નથી લાગતુ કે તેઓ “નજીકના ભવિષ્ય માં સત્તાવાર ફરજો ફરીથી શરૂ કરી શકશે.
મહારાણીના પ્રિય સંતાન ગણાતા પ્રિન્સ એન્ડ્રુને જાહેર સ્ટેજ પર ફરીથી રજૂ કરવા સમીક્ષા કરવાની રાજવી પરિવાર પાસે કોઈ યોજના નથી અને રાણીએ તેમને જાહેર જીવનમાંથી કાયમી ધોરણે દૂર કરી દીધા હોવાનું માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્સટાઇનના પીડિતોમાંથી એક, વર્જિનિયા ગ્યુફ્રેએ દાવો કર્યો હતો કે તેણી 17 વર્ષની હતી ત્યારે ત્રણ વખત પ્રિન્સ એન્ડ્રુ સાથે સંબંધ બાંધ્યા હતા. જો કે પ્રિન્સે એ આક્ષેપને સતત નકાર્યો હતો.
ડ્યુકે તાજેતરમાં જ માર્ક ગલાઘર નામના પીઆર નિષ્ણાત અને ક્રાયસીસ મેનેજમેન્ટ એક્સપર્ટને તેમનુ નામ સાફ કરવા અને તેમની છબીને પુનર્સ્થાપિત કરવા માટે તેમની કાનૂની ટીમ સાથે કામ કરવા માટે નિયુક્ત કર્યુ છે.
પ્રિન્સ એન્ડ્ર્યુ ચેરીટેબલ ટ્રસ્ટની પણ ચેરિટી કમિશન દ્વારા “અનેક મુદ્દાઓ” બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ડ્યુકના પૂર્વ ખાનગી સચિવ, અમાન્ડા થિર્સ્કને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ચૂકવાયેલા £355,297ની ચુકવણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેઓ એક સમયે ટ્રસ્ટી હતા.