વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પરપ્રાંતિય મજૂરો માટે રોજગાર યોજનાનું ઉદ્ઘાટન કરાવતા જણાવ્યું કે લોકડાઉનને પગલે શહેરોમાંથી મોટાપાયે શ્રમિકો ગામડાંમાં પરત ફર્યા છે ત્યારે હવે ગામડાઓમાં વિકાસને વધુ વેગ મળશે. પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને આ કાર્યક્રમ પર સંબોધન કરતા જણાવ્યું કે કેટલાક લોકો ગામાડામાં કોરાના લડાઈ લડી રહેલા લોકોના પ્રયાસોને બિરદાવતા નથી પરંતુ હું તેમની પ્રશંસા કરું છું.
જે પ્રકારે ગમાડાઓમાં લોકોએ કોરોનાની લડાઈ લડી છે તે શહેરો માટે એક દ્રષ્ટાંત બની રહ્યું છે. યોજના વિશે મોદીએ જણાવ્યું કે, શહેરોમાંથી પરત આવેલા ટેલેન્ટ અને સ્કીલ ધરાવતા લોકોને આ અભિયાનથી ગ્રામીણ વિકાસને વેગ આપવામાં મદદ મળશે. લોકડાઉનમાં પરપ્રાંતિય શ્રમિકો હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યા હોવાનું પીએમે જણાવ્યું હતું અને તેમના સરકાર એ બાબતને સારી રીજે સમજે છે કે શ્રમિકોને તેમના ઘર નજીક રોજગાર મળી રહે અને તેનાથી ગામડાનો વિકાસ પણ થાય.
ગ્રામ્ય સ્તરે માળખાકીય વિકાસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, પ્રથમ વખત શહેરો કરતા ગ્રામીણ ક્ષેત્રમાં ઈન્ટરનેટનો સૌથી વધુ વપરાશ થયો છે અને હવે ઈન્ટરનેટની સ્પીડ વધારવાની દિશામાં કામ થઈ રહ્યું છે. સંબોધનના પ્રારંભમાં પીએમે પૂર્વ લદ્દાખમાં એલએસી પર શહીદ થયેલા બિહાર રેજીમેન્ટના બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.