લેસ્ટરના લોકડાઉન નિયમોને તોડનાર કાઉન્સિલર રૂમા અલી સામે તપાસ

0
423

કોવિડ-19ના કારણે લોકડાઉનના પ્રતિબંધ હોવા છતાં લેસ્ટર સીટી કાઉન્સિલર રૂમા અલીએ તેમના ઘરના બગીચામાં કૌટુંબિક બરબેકયુ પાર્ટીનું આયોજન કર્યા બાદ લેસ્ટર લેબર પાર્ટીના વડાઓએ પક્ષની આંતરિક તપાસના જાહેરાત કરી છે. સિટી કાઉન્સિલર માટે સંભવિત શિક્ષાઓ ધ્યાનમાં લેવાય તેવી શક્યતા છે.

કાઉન્સિલર રૂમા અલીએ તેના પરિવારના સભ્યોને ઈદની ઉજવણી માટે બરબેકયુ પાર્ટી માટે આમંત્રણ આપવા બદલ માફી માંગી છે. સરકાર દ્વારા લેસ્ટર પર સ્થાનિક પ્રતિબંધો લગાવાયાના કેટલાક દિવસો બાદ ઘરના બગીચાઓમાં બીજા પરિવારના લોકોને મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

લેબર સંચાલિત કાઉન્સિલના હેમ્બ્સટન અને હેમિલ્ટન વોર્ડનું પ્રતિનિધિત્વ કરનાર કાઉન્સિસર રૂમા અલીએ જણાવ્યું હતું કે રવિવાર, તા. 3 ઑગસ્ટના રોજ તેના ઘરના બગીચામાં બરબેકયુ પાર્ટી કરતી વખતે નિયમોને સમજી શકી ન હતી. તે પાર્ટીમાં તેની બહેનો અને માતાપિતા સહિત પુખ્ત વયના 10 લોકો અને તેમના બાળકો સહિત કુલ ચાર જુદા જુદા પરિવારો હાજર હતા.

તેઓ સીંગલ પેરેન્ટ તરીકે અન્ય એક પરિવાર સાથે એક બબલ બનાવી શક્યા હોત.

લેસ્ટર ઇસ્ટ કન્સ્ટિટ્યૂન્સ લેબર પાર્ટી (સીએલપી)ના અધ્યક્ષ સુ હન્ટરે કહ્યું હતું કે “કાઉન્સિલરોની જવાબદારી છે કે તેઓ દાખલો આપે. નિયમોનો ભંગ અસ્વીકાર્ય છે, અને શાખા અને સીએલપી તથ્યો સ્થાપિત કરવા માટે આંતરિક તપાસ કરશે. તે પછી અમે નિર્ણય લઈશું કે શું પગલું ભરવું.”