વંચિત વિસ્તારો અથવા BAME બેકગ્રાઉન્ડના બાળકોને તંદુરસ્ત જીવનની શ્રેષ્ઠ તક આપવા માતાઓ અને બાળકો માટે નવા £3.3. મિલિયનના ફંડની જાહેરાત કરવામાં આવી છે. ચેરિટીઝને હેલ્થ એન્ડ વેલબીઇંગ ફંડ માટે યોજનાઓ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ભંડોળ ધૂમ્રપાન ઘટાડવા, માતાઓ અને નાના બાળકોના ભણતરમાં સુધારો લાવવા, શિક્ષણ અને વિકાસ, પેરીનેટલ મેન્ટલ હેલ્થ અને મેદસ્વીપણાને રોકવામાં મદદ કરશે.
હેલ્થ એન્ડ વેલબીઇંગ ફંડનો ત્રીજો રાઉન્ડ સમુદાયોને સમાન બનાવવા અને સમાનતાને પ્રોત્સાહન આપવાના સરકારના લક્ષ્યનો એક ભાગ છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મિનીસ્ટર જો ચર્ચિલે કહ્યું હતું કે “દરેક વ્યક્તિ લાંબુ તંદુરસ્ત જીવન જીવવા માટે લાયક છે અને અમે કેટલાક પરિવારો વચ્ચેની અસમાનતાને ઘટાડવાનો નિર્ણય કર્યો છે.’’
આ ભંડોળ થકી જન્મ સમયે ઓછુ વજન ધરાવતા બાળકોની ટકાવારી ઘટાડવામાં આવશે અને બાળકોને સ્તનપાન કરાવવાના પ્રયાસોને વેગ અપાશે. સફળ પ્રોજેક્ટ્સને તેમના પ્રથમ વર્ષમાં યોજના દ્વારા સંપૂર્ણ ભંડોળ આપવામાં આવશે અને પછીના બે વર્ષ માટે સ્થાનિક કમિશ્નરોના વધારાના સંયુક્ત ભંડોળ પર સંમતિ આપવામાં આવશે. આ ભંડોળ મેળવવા માટે અરજદારોએ શુક્રવાર તા. 30 ઑક્ટોબર 2020 સુધી આરજી કરવાની રહેશે.