કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દાયકાઓની મહેનતથી પડોશી દેશો સાથે વિકસાવેલા સંબંધો મોદી સરકારે બગાડી નાખ્યા છે. ચીનની મજબૂતાઈ સાથે ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો નબળો પડ્યા છે તેવા શીર્ષક હેઠળ ધ ઈકોનોમિસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકી રાહુલ ગાંધીએ ટ્વીટર મારફતે મોદી સરકાર પર હુમલો કરતા ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
પડોશમાં કોઈપણ મિત્રદેશ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોખમી છે એમ જણાવતાં રાહુલે કહ્યું હતું કે મોદી સરકારની વિદેશ નીતિની કોંગ્રેસ હંમેશા ટીકાકાર રહી છે. જોકે, મોદી સરકારે રાહુલના તમામ આક્ષેપોને એમ કહીને નકારી કાઢ્યા હતા કે અનેક દેશો સાથેના ભારતના સંબંધો વધુ ગહન અને મજબૂત થયા છે અને વિશ્ર્વસ્તરે ભારતની તાકાત વધી છે.