ફાઈઝરની કોરોના વાઇરસની વેક્સિન લગાવ્યાના આશરે એક સપ્તાહમાં અમેરિકાના કેલિફોર્નિયામાં 45 વર્ષની એક નર્સ કોવિડ-19થી સંક્રમિત થઈ છે. મેથ્યુ ડબ્લ્યુ નામની આ નર્સ બે અલગ અલગ હોસ્પિટલમાં કામ કરે છે, એમ મંગળવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતુ.
આ નર્સે ગત 18 ડિસેમ્બરે કોરોના વાઇરસની વેક્સિન લગાડાવી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી. આરોગ્ય કર્મચારીઓએ કહ્યું હતું કે તેને વેક્સિન લગડાવ્યા બાદ કોઈ જ સાઈડ ઈફેક્ટ થઈ ન હતી.
ABC ન્યૂઝના રિપોર્ટ મુજબ, વેક્સિન લીધાના 6 દિવસ બાદ ક્રિસમસની પૂર્વસંધ્યાએ નર્સ બિમાર થઈ ગઈ હતી. નર્સને ઠંડી લાગવા લાગી હતી અને પછી તેના શરીરમાં દુખાવો થવા લાગ્યો હતો. નર્સને થાકનો પણ અનુભવ થવા લાગ્યો હતો. ક્રિસમસ પછી નર્સ હોસ્પિટલ ગઈ અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
સાન ડિયેગોના ફેમિલી હેલ્થ સેન્ટર્સના ઈન્ફેક્શન ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ ક્રિસ્ટિન રેમર્સે જણાવ્યું હતું કે અમે વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલથી જાણીએ છીએ કે કોરોના વાઇરસ વિરુદ્ધ ઈમ્યુનિટી ઊભી કરવામાં 10થી 14 દિવસનો સમય લાગી શકે છે. હું સમજું છું કે કોરોના વાઇરસ વેક્સિનનો પહેલો ડોઝ લગભગ 50 ટકા સુરક્ષા આપે છે અને 95 ટકા સુરક્ષા માટે બીજા ડોઝની જરૂર હોય છે.