સેસિલ એવન્યુ, બાર્કિંગ ખાતે રહેતા અને રેડબ્રીજ બરોના ભૂતપૂર્વ કાઉન્સિલર ચૌધરી મોહમ્મદ ઇકબાલ (ઉ.વ. 51)ને ચૂંટણીમાં ગેરરીતિ આચરવાના ગુના બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચૌધરી મોહમ્મદ ઇકબાલને લંડન બરો ઓફ રેડબ્રીજની 2018ની સ્થાનિક સરકારની ચૂંટણી વખતે ઉમેદવારના નામાંકન પત્રમાં ખોટા નિવેદનો આપવાના ત્રણ કાઉન્ટ બદલ સજા ફટકારવામાં આવી હતી. તેના સરનામાં અંગે ઇકબાલ દ્વારા ખોટી ઘોષણાઓ કરી હોવાના આરોપો લગાવાયા હતા. આ અગાઉ તેણે નામાંકન ફોર્મમાં ખોટા નિવેદન આપવાની અથવા મંજૂરી આપવાના ત્રણ કાઉન્ટ અને ન્યાયના માર્ગને વિકૃત કરવાના કાવતરાના એક કાઉન્ટ બદલ દોષીત ઠેરવવામાં આવ્યો હતો.
ઇકબાલ સધર્ક ક્રાઉન કોર્ટમાં હાજર થયો હતો અને તેને નવ મહિનાની અને ન્યાયનો માર્ગ ભંગ કરવા બદલ આઠ મહિનાની કેદની સજા કરાઈ હતી. ઇકબાલને કાર્યવાહીના ખર્ચ પેટે £10,422.54 અને રેડબ્રીજ કાઉન્સિલને પેટા-ચૂંટણીના ખર્ચ માટે £10,000 અને રેડબ્રીજ કાઉન્સિલે તેને જે રકમ ચૂકવી હતી તે પેટે £18,368નુ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેણે આચરેલી ભ્રષ્ટ રીતરસમોને પગલે ચૂંટાયેલા પદ રહેવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ પણ મૂક્યો હતો.
મેટ પોલીસની સેન્ટ્રલ સ્પેશ્યાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર સારાહ મેક’કોનેલે કહ્યું હતું કે “આ પ્રકારના ગુના માટે આ એક નોંધપાત્ર સજા છે. ચૂંટણીમાં જે ગેરરીતિ આચરવામાં આવે છે તેને અદાલત કઇ રીતે જુએ છે તેનું આ પ્રતિબિંબ છે.”