વડાપ્રધાન બોરિસે જોન્સન કોવિડ રોગચાળા પછી ઇકોનોમિક રિકવરી માટે કટિબધ્ધ છે ત્યારે મહારાણીએ આજે તા. 11ના રોજ પાર્લામેન્ટમાં આપેલા વક્તવ્યમાં રોજગારમાં વધારો, પુખ્ત વયના દરેક લોકોને અભ્યાસક્રમો અને તાલીમ માટે લોન આપવાની યોજનાઓ, ગેરકાયદેસર ઇમિગ્રેશન પર ક્રેકડાઉન અને ‘વેક’ સંસ્કૃતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. પરંતુ સામાજિક સંભાળ વિષે કોઇ જાહેરાત કરાઇ નહતી. બોરિસ જોન્સને આ અગાઉ લોકોની લાયકાતોમાં સુધારો કરવામાં સહાય કરવા માટે ‘લાઇફટાઇમ સ્કીલ ગેરેંટી’ રજૂ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
સત્તાવાર રીતે સંસદનો ફરીથી પ્રારંભ કરતા મહારાણીએ આગળના વર્ષ માટે સરકારની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી. હાઉસ ઑફ લોર્ડ્સમાં દસ મિનિટના ભાષણમાં, તેમણે 30 કાયદાઓ વિષે માહિતી આપી હતી જેને સરકાર આવતા વર્ષમાં પસાર કરવાનો ઇરાદો રાખે છે. તેમાં સંસદના પાછલા “અધિવેશન”માં લવાયેલા ઘણા બીલનો પણ સમાવેશ કરાયો હતો.
મહારાણીએ જણાવ્યું હતું કે ‘’મારી સરકારની પ્રાધાન્યતા રોગચાળામાંથી રાષ્ટ્રીય પુનરોત્થાન કરવાની છે, જે યુકેને પહેલા કરતાં વધુ મજબૂત, સ્વસ્થ અને વધુ સમૃદ્ધ બનાવે છે. આ હાંસલ કરવા માટે, મારી સરકાર યુકેના તમામ ભાગોમાં તકો ઉભી કરશે, નોકરીઓ, ધંધા અને આર્થિક વિકાસને ટેકો આપશે અને જાહેર સેવાઓ પર રોગચાળાના પ્રભાવને દૂર કરશે. સરકાર રાષ્ટ્રના સ્વાસ્થ્યનું રક્ષણ કરશે, રસીકરણ કાર્યક્રમ ચાલુ રાખશે અને એનએચએસને ટેકો આપવા માટે વધારાના નાણાં પૂરા પાડશે. સરકાર ટેકનોલોજીના નવીનકરણ અને NHS ને સશક્ત બનાવવા માટે મારા પ્રધાનો કાયદો લાવશે. દર્દીઓને વધુ અનુકૂળ અને રોગનિવારક સંભાળ ઘરની નજીક [હેલ્થ એન્ડ કેર બિલ] મળશે. સ્થુળતા નિવારવા અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા સહિત દેશના સ્વાસ્થ્ય અને સુખાકારીને ટેકો આપવા પગલાં લેવામાં આવશે. સામાજિક સંભાળ સુધારણા અંગેના પ્રસ્તાવો લાવવામાં આવશે.’’
મહારાણીએ જણાવ્યું હતું કે ‘’સરકાર જીવન વિજ્ઞાનમાં વિશ્વના નેતૃત્વ માટેના રસીકરણ કાર્યક્રમની સફળતા, કેન્સર જેવા રોગો સામે નવી સારવાર અને દેશભરમાં નોકરીઓ અને રોકાણને સુરક્ષિત કરવા માટે વિકાસ કરશે. સંશોધન અને વિકાસ માટેના જાહેર ભંડોળમાં અત્યાર સુધીની સૌથી ઝડપી વધારાની દેખરેખ રાખશે અને એડવાન્સ રીસર્ચ એજન્સી [એડવાન્સ રીસર્ચ એન્ડ ઇન્વેન્શન બિલ] ની સ્થાપના માટે કાયદો પસાર કરશે. રોગચાળા દરમિયાન બિઝનેસીસને આપવામાં આવેલ અભૂતપૂર્વ સપોર્ટને પગલે નોકરીઓ ઉભી કરવા અને ટેકો આપવા નિયમન સુધારવા માટે દરખાસ્તો આગળ લાવવામાં આવશે. સરકાર આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે, રાષ્ટ્રીય માળખામાં રોકાણ અને સુધારણા કરશે. રેલવે અને બસ [હાઈ સ્પીડ રેલ (ક્રુ – માન્ચેસ્ટર) બિલ] દ્વારા કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવવા અને 5 જી મોબાઇલ કવરેજ અને ગીગાબાઇટ સક્ષમ બ્રોડબેન્ડ [પ્રોડક્ટ સિક્યુરિટી એન્ડ ટેલિકમ્યુનિકેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ] ને વિસ્તૃત કરવા દરખાસ્તો આગળ ધપાવાશે.’’
રાણીએ કહ્યું હતું કે ‘’આજીવન કુશળતા માટે લોકોના જીવનમાં ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણ અને તાલીમ માટે એક્સેસને સક્ષમ બનાવવામાં આવશે. બિઝનેસીસ માટેનો ટેકો યુકેના વ્યૂહાત્મક હિતોને પ્રતિબિંબિત કરે અને આર્થિક વૃદ્ધિ તરફ દોરી જાય તેની ખાતરી કરવા પગલાં રજૂ કરવામાં આવશે આઠ નવા ફ્રીપોર્ટ્સ વેપાર માટે કેન્દ્રો બનાવશે અને સમુદાયોને પુનર્જીવિત કરવામાં મદદ કરશે. બાળકો તેમના જીવનના પ્રારંભિક વર્ષોમાં શિક્ષણની શ્રેષ્ઠ શરૂઆત કરે તે સુનિશ્ચિત કરવા પગલાં લેવામાં આવશે. રોગચાળા દરમિયાન ભણતર ગુમાવનાર દરેક બાળક ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળે તે માટે વ્યવસ્થા કરાશે. સરકાર વધુ લોકોને તેમના પોતાના મકાન ખરીદવા સહાય કરશે, જ્યારે મકાન ભાડે લેનાર લોકોના અધિકારોમાં વધારો કરશે. પ્લાનિંગ બિલ, લીઝહોલ્ડ રિફોર્મ (ગ્રાઉન્ડ રેન્ટ) બિલ અંતર્ગત ગ્રાઉન્ડ રેન્ટ પ્રથાને સમાપ્ત કરવાના પગલાઓ સાથે, પ્લાનિંગ સિસ્ટમના આધુનિકીકરણ માટેના કાયદા લવાશે. જેથી વધુ ઘરો બનાવી શકાય. નવા બિલ્ડિંગ સેફ્ટી રેગ્યુલેટરની સ્થાપના કરશે જેથી ભૂતકાળ જેવી દુર્ઘટનાઓ ક્યારેય ન બને.’’
મહારાણીએ વક્તવ્યમાં ઉમેર્યું હતું કે ‘’વંશીય અસમાનતાઓને દૂર કરવા અને કન્વર્ઝન થેરેપી પર પ્રતિબંધ લાવવા પગલાં ભરવામાં આવશે. સરકાર રોજગાર ઉભો કરવા નવી ગ્રીન ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરશે અને પર્યાવરણની સુરક્ષા કરશે. યુનાઇટેડ કિંગડમ 2050 સુધીમાં શુદ્ધ ઝીરો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે અને ગ્લાસગોમાં સીઓપી 26 સમિટનું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાનું ચાલુ રાખશે. સરકાર નાગરિકોની સુરક્ષા વધારવાનાં પગલાં રજૂ કરશે. સૌથી ગંભીર અને હિંસક અપરાધીઓની સજાઓમાં વધારો કરશે અને ન્યાય સમયસર મળે તેના વહીવટની ખાતરી કરશે. મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હિંસાને પહોંચી વળવા અને પીડિતોને ટેકો આપવા માટે દરખાસ્તો કરાશે. યુનાઇટેડ કિંગડમની સરહદોને મજબૂત બનાવતી અને ખતરનાક અને ગેરકાયદેસર મુસાફરી કરનારા લોકોને રોકવા સ્પષ્ટ ઇમિગ્રેશન સિસ્ટમ સ્થાપિત કરવા પગલાં લેવાશે. બાળકો સહિત બધા માટે ઇન્ટરનેટ સલામતી સુનિશ્ચિત કરશે જેથી મફત, ખુલ્લા અને સુરક્ષિત ઇન્ટરનેટના ફાયદાઓનો ઉપયોગ કરાય. વિદેશી રાજ્યોની પ્રતિકૂળ પ્રવૃત્તિને રોકવા કાયદો રજૂ કરવામાં આવશે અને સુરક્ષા, સંરક્ષણ, વિકાસ અને વિદેશી નીતિની એકીકૃત સમીક્ષાનો અમલ કરશે. યુકે જી-7 સમિટનું આયોજન કરી રોગચાળામાંથી મજબૂત આર્થિક રીકવરી સુરક્ષિત કરવા વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કરશે. સરકાર ગલ્ફ, આફ્રિકા અને ઇન્ડો-પેસીફીક વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવશે.
ગરીબી ઘટાડવામાં અને માનવીય વેદનાને દૂર કરવામાં સરકાર સહાય આપવાનું ચાલુ રાખશે. સરકાર વિશ્વભરમાં માનવાધિકાર અને લોકશાહીનું સમર્થન કરશે અને વિશ્વભરની 40 મિલિયન છોકરીઓને શાળામાં પ્રવેશ અપાવવા વૈશ્વિક પ્રયાસો આગળ ધપાવશે.’’