પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પૂણેના ખેડૂતો સાથે વાર્તાલાપ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતમાં ઈથેનોલ બ્લેન્ડિંગ 2020-2025ના રોડમેપ અંગે નિષ્ણાતોની સમિતિએ તૈયાર કરેલો અહેવાલ જારી કર્યો હતો. આ સાથે તેમણે દેશભરમાં ઈથેનોલના ઉત્પાદન અને વિતરણ માટે પૂણેમાં અત્યંત મહત્વાકાંક્ષી એવા ઇ-100 પાયલોટ પ્રોજેક્ટને પણ લોંચ કર્યો હતો. આ વખતના પર્યાવરણ દિવસના કાર્યક્રમની થીમ ‘બહેતર પર્યાવરણ માટે બાયો ફ્યુલના પ્રમોશન’ હતી. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ શ્રી નીતિન ગડકરી, શ્રી નરેન્દ્ર સિંહ તોમર, શ્રી પ્રકાશ જાવડેકર, શ્રી પીયૂષ ગોયલ અને શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ખાસ હાજરી આપી હતી.
આ પ્રસંગે પોતાનું વકતવ્ય આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઈથેનોલ ક્ષેક્રના વિકાસ માટે વિગતવાર રોડમેપ જારી કરીને ભારતે વઘુ એક હરણફાળ ભરી છે. તેમણે જણાવ્યું હતું કે 21મી સદીના ભારત માટે ઈથેનોલ એક મહત્વની પ્રાથમિકતા બની ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે ઈથેનોલ પર ફોકસ કરવું તે પર્યાવરણ પર મોટી અસર છે અને સાથે સાથે ખેડૂતોના જીવન પર પણ અસર કરે છે. તેમણે કહ્યું હતું કે 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક હાંસલ કરવા સરકાર પ્રતિબદ્ધ છે. અગાઉ આ લક્ષ્યાંક 2030 સુધીમાં પાર પાડવાનો હતો જેને હવે પાંચ વર્ષ વહેલો કરી દેવાયો છે. તેમણે ઉમેર્યું હતું કે 2014 સુધી ભારતમાં ઈથેનોલમાં સરેરાશ 1.5 ટકા મિશ્રણ થતું હતું જે હવે 8.5 ટકા સુધી પહોંચી ગયું છે. 2013-14માં દેશમાં અંદાજે 38 કરોડ લીટર ઈથેનોલ ખરીદવામાં આવ્યું હતું જે હવે વધીને 320 કરોડ લીટર પર પહોંચી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ આઠ ગણાના વધારામાંથી મોટા ભાગનો હિસ્સો દેશના શેરડીના ખેડૂતોને લાભકર્તા પુરવાર થયું છે.
પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી કે 21મી સદીનું ભારત 21મી સદીની આધુનિક નીતિઓ અને આધુનિક વિચારધારામાંથી જ ઉર્જા પ્રાપ્ત કરી શકશે. આ વિચારધારા સાથે જ સરકાર દરેક ક્ષેત્રમાં સતત નીતિ વિષયક નિર્ણયો લઈ રહી છે. તેમણે જણાવ્યું હતુ કે આજે દેશમાં ઈથેનોલના ઉત્પાદન અને ખરીદી માટે સંખ્યાબંધ માળખાગત સવલતોની રચના કરવા પર ભાર મુકાઈ રહ્યો છે. મોટા ભાગના ઈથેનોલ ઉત્પાદન એકમો માત્ર એવા ચારથી પાંચ રાજ્યોમાં જ ધ્યાન આપી રહ્યા હતા જ્યાં ખાંડનું ઉત્પાદન ઉચા દરે થાય છે પરંતુ હવે તેનો સમગ્ર દેશમાં વ્યાપ વધે તે માટે ખાદ્ય અને અનાજ આધારિત ડિસ્ટીલિયરીઝ સ્થાપવામાં આવી છે. કૃષિના બગાડ (વેસ્ટ)માંથી ઈથેનોલ બનાવવા માટે દેશમાં આધુનિક ટેકનોલોજી આધારિત પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.