ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs)એ સોમવારે દુશ્મનાવટભરી લશ્કરી કાર્યવાહી ટાળવાના માર્ગો પર ચર્ચા કરી હતી તથા સરહદો અને આગળના વિસ્તારોમાંથી બંને આર્મીના સૈનિકોને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા પર વિચારણા કરવા સંમત થયા હતાં.
બંને ડીજીએમઓ દ્વારા તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગે સમજૂતી થયાના બે દિવસ પછી લગભગ 45 મિનિટની વાતચીત થઈ હતી. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે “ડીજીએમઓ વચ્ચે સાંજે ૫:૦૦ વાગ્યે વાતચીત થઈ હતી. બંને પક્ષોએ એક પણ ગોળીબાર ન કરવો જોઈએ અથવા એકબીજા સામે કોઈ આક્રમક અને શત્રુતાપૂર્ણ કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ તેવી પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. એ પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકો ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા પર વિચાર કરશે.
