Implementation of new Jantri rates for real estate property with 25% discount
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં બે વર્ષ સુધી સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ઘટાડા બાદ તેમાં તેજી આવી છે. 31 માર્ચે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના આંકડામાંથી સંકેત મળે છે કે રાજ્યમાં રિયલ્ટીના સોદામાં ભારે તેજી આવી છે. ગયા નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટીની વસુલાતમાં 43 ટકાનો જંગી વધારો થયો હતો, જ્યારે 2020-21ની સરખામણીમાં 2021-22માં વેચાણ દસ્તાવેદની સંખ્યા 25 ટકા વધી હતી.

ગયા નાણાકીય વર્ષમાં રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ. 10,606 કરોડની વસુલાત કરી હતી. તે અગાઉના વર્ષોની વાત કરીએ તો 2018-19માં સ્ટેમ્પ ડ્યૂટીની આવક રૂ. 7781 કરોડ, 2019-20માં રૂ. 7701 કરોડ અને 2020-21માં સ્ટેમ્પ ડ્યૂટીની આવક રૂ. 7390 કરોડ હતી. અગાઉના નાણાકીય વર્ષની સાથે તુલના કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 3000 કરોડથી પણ વધુ વધારો થયો છે.

2021-22ના શરૂઆતના છ મહિનામાં કોવિડનો આતંક હોવા છતાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનની સંખ્યા 14.3 લાખ હતી. એટલે કે અગાઉના વર્ષની તુલનામાં ત્રણ લાખ જેટલી વધુ પ્રોપર્ટી રજિસ્ટર થઈ હતી. 2018-19, 2019-20 અને 2020-21માં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનની સંખ્યા અનુક્રમે 12.4 લાખ, 12 લાખ અને 11.4 લાખ હતી.

નાણાકીય વર્ષ 2021-22માં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશનની સૌથી વધુ આવક અમદાવાદમાં થઈ હતી જે રૂ. 3398 કરોડ હતી. ત્યાર પછી ગાંધીનગરમાં રૂ. 2513 કરોડ, સુરતમાં રૂ. 1212 કરોડ અને રાજકોટમાં રૂ. 595 કરોડની રેવન્યુ મળી હતી. ગાંધીનગરમાં અત્યંત ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું હોવાથી તેમાં રેવન્યુના આંકડા અમદાવાદ પછી બીજા ક્રમે છે.