પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જામનગરની ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની જામજોધપુર શાખામાં કથિત નકલી ફિકસ્ડ ડિપોઝિટનું રૂ.3.18 કરોડનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફિક્સ ડિપોઝિટ મૂકવા આવેલા ગ્રાહકોને એફડીનું હાથથી તૈયાર કરવામાં આવેલું અને બેન્ક જેવું જ સર્ટિફિકેટ આપીને છેતરવામાં આવતા હતા. આ પ્રકારે ગ્રાહકોને રુપિયા 3.18 કરોડનો ચૂનો લગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો.

બેન્કને ચેરમેન પી.એસ.જાડેજાએ જણાવ્યું હતું કે, જામજોધપુર બ્રાન્ચમાં એફડી માટે પૈસા મૂકવા આપેલા ગ્રાહકોના નાણાં સ્વીકારવામાં આવ્યા હતા પરંતુ તેમને બેન્કના નામનું એક નકલી સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. આ જાણકારી સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ, રિકવરી મેનેજરને ઓડીટ સાથે તપાસ સોંપવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે 3.18 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ ઘટના સાથે જોડાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ફોજદારી પગલા પણ લેવામાં આવશે.આગામી દિવસમાં આ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે. જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની મુખ્ય ઓફિસ જામનગર શહેરમાં છે, તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેની 40 શાખાઓ છે.