શ્રી પ્રજાપતિ સમાજનું 42મું મહિલા સંમેલન લેસ્ટર ખાતે રવિવાર, 29 મે ના રોજ યોજાયું હતું.
આ સંમેલન SPA લેસ્ટર કમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયું હતું અને તેમાં 600થી વધુ લોકો યુકેના જુદા જુદા 14 શહેરો અને નગરોમાંથી ઉપસ્થિત રહ્યાં હતા. આ સંમેલનમાં ચર્ચાનો મુખ્ય વિષય મહિલાઓના આરોગ્ય અંગેનો હતો, જેમાં વક્તાોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લોકડાઉનને કારણે ત્યારપછીનો આ પ્રથમ જાહેર કાર્યક્રમ હતો, જોકે, આયોજનમાં સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન એસપીએ યુકે મહિલા ટીમની લેસ્ટર બ્રાંચ દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્વયંસેવકોએ દિવસભર વિવિધ સેવાઓ બજાવી હતી. આ સંમેલનમાં પર્યાવરણ મુદ્દે જાગૃત્તિ ફેલાવવા માટે પ્લાસ્ટિકના મર્યાદિત ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો અને તેમાં સ્ટીલ અને કાગળના વાસણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલા કન્વીનર નયનાબેન મિસ્ત્રી (લેસ્ટર)એ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે નાના બાળકો- ક્રિશ પ્રજાપતિ, મીરા પ્રજાપતિ, જેની પ્રજાપતિ, જ્ઞાન પ્રજાપતિ, આરવ પ્રજાપતિએ પ્રાર્થના રજૂ કરી હતી. રજિસ્ટર્ડ નર્સ-કેટી શેર્રાટ્ટે મહિલાઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. એન્ડોમેટ્રીઓસિસ યુકે ચેરિટીનાં સ્વયંસેવિકા રાધા મિસ્ત્રીએ એન્ડોમેટ્રીઓસિસ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બીનાબેન મિસ્ત્રીએ રજૂ થયેલા તમામ પ્રેઝન્ટેશનનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. મહિલા કમિટીમાં નવા ચૂંટાયેલા પ્રિયંકા ડી મિસ્ત્રી, રમા એસ મિસ્ત્રી, લંડનના શિતલ ડી. મિસ્ત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બપોર પછીના સત્રમાં અશોક પંચાલે-મહેફિલ કાર્યક્રમ અંતર્ગત બોલીવૂડના જાણીતા જૂના ગીતો રજૂ કર્યા હતા. એસપીએ યુકેના પ્રેસિડેન્ટ કમલેશ સી. મિસ્ત્રીએ કાર્યક્રમના સુંદર અને સફળ આયોજન બદલ આયોજકોની પ્રશંસા કરી હતી.