બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ બીજાના પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવની અવર્ણનીય આદર અને રાષ્ટ્રપ્રેમ સાથે લાખ્ખો લોકોએ બ્રિટનભરમાં ઉજવણી કરી બ્રિટનને રાણીમય બનાવી દીધું હતું. આ પ્રસંગે સૌએ મોટી સંખ્યામાં સ્ટ્રીટ પાર્ટીઓ, ટ્રુપિંગ ધ કલર પેજન્ટ પરેડ, બકિંગહામ પેલેસ પાર્ટી, થેંક્સગિવીંગ સર્વિસ, બિકન્સ લાઇટીંગ, એપ્સમ ડર્બી ખાતે યોજાયેલા કાર્યક્રમોને માણ્યા હતા અને સાબીત કર્યું હતું કે બ્રિટનના લોકો હજુ આજની તારીખે પણ તેમના શાહી પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે.
96 વર્ષીય મહારાણીએ પણ જનતા દ્વારા ઉમંગભેર કરવામાં આવેલી ઉજવણીને આવકારીને બ્રિટનની જનતાની સેવા કરવા માટે પોતે પ્રતિબદ્ધ છે અને મારું હૃદય તમારી સાથે છે એમ જણાવી સૌના દિલ જીતી લીધા હતા.
મહારાણી અને તેમના શાહી પરિવારના વરિષ્ઠ સદસ્યોએ બ્રિટનની પ્રજા પરત્વેનો તેમનો પ્રેમ દર્શાવવા દેશના ચારેય ખુણે યોજાયેલા કાર્યક્રમોમાં હાજરી આપીને શાહી પરિવારની સર્વોપરિતા સાબિત કરી હતી.
મહારાણી વયના કારણે હરવા ફરવાની તકલીફો તેમજ થાકના કારણે ઘણાં કાર્યક્રમોમાં હાજર રહી શક્યા ન હતા પરંતુ દેશની જનતાએ તેમને ઘરના મોભીનું સ્થાન આપીને તેમના કે પરિવાર વિષે એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો. આ પ્રસંગે સૌએ ચાર દિવસીય બેંક હોલિડે સપ્તાહનો આનંદ માણ્યો હતો. સૌથી વધુ સફળતા સમગ્ર યુકેમાં યોજાયેલા બિગ જ્યુબિલી સ્ટ્રીટ લંચ અને પાર્ટીઓને મળી હતી. જેમાં સૌ પડોશીઓએ સાથે ભોજન લઇ પોતાના સંપર્કો અને મિત્રતા ગાઢ કરી હતી.














