2019માં મેટ્રોપોલિટન પોલીસ સર્વિસમાંથી નિવૃત્તિ થયા ત્યારે સુશ્રી પરમ જીત કૌર સંધુ રાજધાની લંડનના મેટ પોલીસ દળમાં સૌથી વરિષ્ઠ સ્થાને  સેવા આપતા ટોચના BAME મહિલા હતા. મેટ પોલીસના સમગ્ર ઈતિહાસમાં કોન્સ્ટેબલથી લઈને ચીફ સુપરિન્ટેન્ડેન્ટ સુધીના રેન્ક પર પ્રમોશન મેળવનાર તેઓ એકમાત્ર અશ્વેત મહિલા પણ હતાં.

આ પુસ્તકમાં રજૂ કરાયેલા રોમાંચક સંસ્મરણોમાં, પરમ સંધુ બર્મિંગહામના પરગણામાં રહેતા પંજાબના વસાહતી પરિવારના ચોથા સંતાનથી લઇને મેટ પોલીસના ઉચ્ચ વર્ગ સુધીની તેમની સફરનો ઉલ્લેખ કરે છે. માત્ર 16 વર્ષની વયે અપમાનજનક એરેન્જ્ડ મેરેજ બાદ પરમે તેમના નવજાત પુત્ર સાથે લંડન ભાગી જવાનો નિર્ણય લીધો હતો અને બાદમાં કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં જોડાયા હતાં.

તેમની પોલીસ દળની ત્રીસ વર્ષની કારકિર્દી દરમિયાન, પરમે ગુના નિવારણથી લઈને આતંકવાદનો સામનો કરવા, કરપ્શન યુનિટ, લંડન ઓલિમ્પિક્સમાં વરિષ્ઠ આયોજન સુધીની દરેક બાબતોમાં કામ કર્યું હતું. જ્યારે સોલ્જર લી રિગ્બીનો ગ્રીનીચની શેરીમાં શિરચ્છેદ કરવામાં આવ્યો ત્યારે તેઓ ફરજ પરના સુપ્રિન્ટેન્ડન્ટ હતા.

જો કે, પરમ સંધુને ફરજ દરમિયાન રેસિયલ અને જેન્ડર ડિસ્ક્રિમીનેશન સાથે પનારો પડ્યો હતો અને તે અંગે સ્ટેન્ડ લેવાનું નક્કી કર્યા પછી, તેમને ગ્રોસ મીસકન્ડક્ટના ખોટા આરોપોનો સામનો પણ કરવો પડ્યો હતો. તે આરોપોમાં નિર્દોષ ઠર્યા બાદ તેમને મોટી રકમનું કોમ્પેન્સેશન મળ્યું હતું.  આ પુસ્તક તેમની પોલીસની ડ્યુટી અને પોતાના માટે ન્યાય મેળવવાના તેમના પ્રયાસો વિશે જણાવે છે.

પુસ્તક સમીક્ષા

  • જેમણે પોતાની પ્રતિકૂળતા માટે સંઘર્ષ કર્યો છે તે તમામ લોકો માટે પરમ સંધુની વાર્તા પ્રેરણારૂપ છે. તે એક પેજ-ટર્નર પણ છે. પુસ્તક બ્રિટનમાં પોલીસિંગ અને ન્યાયની કાળજી રાખનાર દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ. – મીરા સ્યાલ
  • હિંમત અને પ્રતીતિનું મનમોહક પ્રદર્શન, સંધુની વાર્તા પૂર્વગ્રહનો સામનો કરનારાઓ માટે પ્રેરણા અને અંધકારમાં રહેલા લોકો માટે સાક્ષાત્કાર છે. – ડેવિડ લેમી, સાંસદ
  • આ પુસ્તક વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકેના તેમના જીવનનો ગહન ગતિશીલ હિસાબ છે. પોલીસ સેવાને સમજવા માંગતા સૌ કોઇ માટે આવશ્યક વાંચન છે. – રોબ રિન્ડર

લેખક વિશે

1989માં પોલીસમાં જોડાયેલા પરમ સંધુને ઘણા સન્માનો પૈકી, પરમને એશિયન વુમન ઓફ ધ યર, વૈશાખી એવોર્ડ (લંડનના મેયર) અને શીખ વુમન ઓફ ડિસ્ટિંક્શન (શીખ વિમેન્સ એલાયન્સ) દ્વારા નવાજવામાં આવ્યા હતા. સહ લેખક સ્ટુઅર્ટ પ્રીબલ ઘણા વર્ષો સુધી અગ્રણી ટેલિવિઝન પત્રકાર હતા, ખાસ કરીને ITV ના વર્લ્ડ ઇન એક્શન પ્રોગ્રામમાં, અને બાદમાં ITV ના CEO બન્યા હતા. હવે તેઓ એક સફળ નિર્માતા અને લેખક છે.

આ પુસ્તકને 5 માંથી 4.5 સ્ટાર્સ મળ્યા છે.

Book: Black and Blue: One Woman’s Story of Policing and Prejudice

Publisher ‏ : ‎ Atlantic Books

Author: Parm Sandhu and Stuart Prebble

Price: £20.00