Modi inaugurated the Smriti Van Memorial
. (ANI Photo/ PIB)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસના બીજા દિવસે રવિવારે કચ્છમાં ભુજિયા ડુંગરના કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યું હતું. ભૂજમાં પરંપરાગત નૃત્યથી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીએ ભૂકંપ વખતે કચ્છના અંજારમાં ધ્વજવંદન કરતાં દટાયેલા બાળ વિદ્યાર્થીઓની યાદમાં તૈયાર થયેલા વીર બાળક સ્મારકનું પણ લોકાર્પણ કર્યું હતું.

મોદીએ અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ હેઠળ ભુજિયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે 470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બની રહેશે. 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનું ભૂકંપ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બની રહેશે.

વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભૂજમાં આશરે  રૂ.૧૦,૦૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. જેમાં હવે કચ્છમાં સફેદ રણની સહેલગાહે જતાં દેશ-વિદેશના સહેલાણીઓ માટે વધુ એક મહત્વના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. ૨૦૦૧ના વિનાશક ભૂકંપની યાદ તાજી કરાવતા ૪૦૦ એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલા સ્મૃતિ વન મેમોરિયલ દસ વર્ષની તૈયારીઓ બાદ તૈયાર થયું છે. કચ્છ માટે ઐતિહાસિક કહી શકાય એવા રૂ.૬૫૦૦ કરોડથી વધુ ખર્ચે તૈયાર થયેલી નર્મદાની કચ્છ શાખા નહેરનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન ભુજિયા ડુંગર પર બનાવેલા સ્મૃતિ વન મેમોરિયલ અને પેલેસના સંગ્રહાલય ખાતે બનાવેલી વિવિધ અદ્યતન ગેલરીની મુલાકાત લીધા બાદ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.