NASA's 'Moon to Mars' program will be headed by an Indian American engineer

અમેરિકામાં વસતા ભારતીયો માટે એક ગર્વના સમાચાર છે. ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર અને રોબોટિક્સ એન્જિનીયર અમિત ક્ષત્રિયને નાસા દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા ‘મૂન ટુ માર્સ’ પ્રોગ્રામની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મંગળ પર માનવોની મુલાકાત માટે તૈયારીમાં મદદ કરશે. અમિત ક્ષત્રિય તાત્કાલિક અસરથી મિશન માટે નાસાના ફર્સ્ટ હેડ તરીકે કામ કરશે. નાસાએ ગુરુવારે જણાવ્યું હતું કે, મિશનનો હેતુ ચંદ્ર અને મંગળ પર માનવજાતની શોધખોળ સંબંધી પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે.

તેઓ ચંદ્ર અને મંગળના મિશનના પ્રોગ્રામની યોજના અને અમલીકરણનું કામ કરશે. ૨૦૦૩માં સ્પેસ પ્રોગ્રામથી કારકિર્દીની શરૂઆત કરનાર ક્ષત્રિયએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સોફ્ટવેર એન્જિનિયર, રોબોટિક્સ એન્જિનિયર અને સ્પેસક્રાફ્ટ ઓપરેટર તરીકે કામ કર્યું હતું. ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન તેમણે સ્પેસ સ્ટેશનના ફ્લાઇટ ડાયરેક્ટર અને ૨૦૨૧માં નાસાના હેડક્વાર્ટર ખાતે એક્સ્પ્લોરેશન સીસ્ટમ્સ ડેવલપમેન્ટ મિશન ડાયરેક્ટોરેટમાં આસિસ્ટન્ટ ડેપ્યુટી એસોસિએટ એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા ભજવી હતી.

એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે, “અત્યારે સંશોધનમાં સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. નાસાનું આ મિશન મંગળ પર નવી મોટી શોધની દિશામાં કામ કરશે.” તેમણે સ્પષ્ટતા કરી હતી કે, “મૂન ટુ માર્સ પ્રોગ્રામ ઓફિસ નાસાને અમારા ચંદ્ર અને મંગળના હિંમતભર્યા મિશન માટે તૈયાર કરશે.”

LEAVE A REPLY

seven − five =