આજથી 75 વર્ષ પહેલા એટલે કે 8 જૂન 1948ના રોજ એર ઈન્ડિયાનું વિમાન પ્રથમ વખત વિદેશ જવા રવાના થયું હતું. એર ઈન્ડિયાએ પ્રથમ વખત 35 મુસાફરો સાથે વિદેશની ધરતી પર પગ મૂક્યો હતો. જે સફરને આજે ફક્ત 8 થી 10 કલાકનો સમય લાગે છે જે તે સમયે બે દિવસ પુરી થઈ હતી. એર ઈન્ડિયાની મલબાર પ્રિન્સેસ ફ્લાઈટ લંડન માટે રવાના થઇ ત્યારે ફ્લાઇટનું નેતૃત્વ કેપ્ટન કે.આર.ગુજદાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાહિરા અને પછી જીનીવા થઈને એર ઈન્ડિયાની પ્રથમ વિદેશી ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
એર ઈન્ડિયાએ મુંબઇથી લંડન સુધીની તેની પ્રથમ ફ્લાઈટ જે 48 કલાકમાં પૂરી કરી ત્યારે એર ઈન્ડિયા માટે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે એરપોર્ટ પર ભારે ભીડ એકઠી થઈ હતી. પત્રકારોની ટુકડીઓ ટાટા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લંડન જઈ રહેલા ફર્સ્ટ ટાઈમર્સના ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં વ્યસ્ત હતા. એર ઈન્ડિયાની મલબાર પ્રિન્સેસ તેના નિર્ધારિત સમયે 35 મુસાફરો સાથે રવાના થઈ હતી. તેમાંથી 29 મુસાફરો લંડન જઈ રહ્યા હતા અને 6 લોકો જિનીવા જવા રવાના થયા હતા.
એર ઈન્ડિયાએ તેની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 3 જૂન 1948ના રોજ ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આખા પાનાની જાહેરાત કરી હતી. પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટ રૂ. 1720 હતી. ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ ખૂબ જ ઉત્સાહિત હતા. બ્લુ કોટ અને સ્કાય બ્લુ સ્કર્ટમાં સજ્જ એર હોસ્ટેસ પણ પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે તૈયાર હતી. જેઆરડી ટાટા પોતે બોમ્બેના સાંતાક્રુઝ એરપોર્ટ પર વિમાનને વિદાય આપવા પહોંચ્યા હતા. આ સ્પેશિયલ પ્લેનમાં મહારાજા દુલીપ સિંહ સિવાય અંગ્રેજો, બિઝનેસમેન સહિત કેટલાક ખેલાડીઓ પણ હતા. ટાટાએ પોતે બધાને વિદાય આપી. ગત 8 જૂને આ યાત્રાના 75 વર્ષ પૂર્ણ થયા છે.