માર્ચ 2023માં ભાવમાં વધારો ટોચ પર પહોંચ્યા બાદ કંટારના ડેટા દર્શાવે છે કે ગયા મહિનાની સરખામણીમાં ગ્રોસરીની કિંમતનો વાર્ષિક ફુગાવો 1.6 ટકા પોઈન્ટ ઘટીને 14.9 ટકા થયો છે જે અગાઉના મહિને 16.5 ટકા હતો. કરિયાણાનું વેચાણ પણ સતત વધી રહ્યું છે અને આગાઉના વર્ષની સરખામણીએ ચાર અઠવાડિયામાં તે 10.4 ટકા વધ્યું છે.
વાર્ષિક ભાવમાં સતત ચોથા મહિને ઘટાડો થતા રોકડની તંગીવાળા બ્રિટિશ લોકોના ગ્રોસરીના બિલનું દબાણ ઓછું થયું છે. ઈંડા, કુકીંગ સૉસ અને ફ્રોઝન બટાકાની કિંમતો સૌથી ઝડપથી વધી રહી છે.
કંટારના રિટેલ અને કન્ઝ્યુમર ઇનસાઇટના વડા ફ્રેઝર મેકકેવિટે જણાવ્યું હતું કે ‘ઘણા ઘરો માટે તે સારા સમાચાર હશે, જોકે, અલબત્ત, દર હજુ પણ અવિશ્વસનીય રીતે ઊંચો છે.’
હાલનો ફુગાવાનો દર જોતા એવો અર્થ કાઢી શકાય કે પરિવારોએ એક વર્ષ પહેલાં ખરીદેલી સમાન વસ્તુઓ ખરીદવા માટે કરિયાણા પર તેમણે વાર્ષિક £683 વધુ ખર્ચવા પડશે. જો કે લોકોએ તેમની ખર્ચ કરવાની ટેવ બદલી હોવાથા તેમનો ઘરગથ્થુ ખર્ચમાં સરેરાશ વાર્ષિક વધારો £330નો જ છે.