ચીને તાજેતરમાં જાહેર કરેલા નવા સત્તાવાર નકશાને ભારત ઉપરાંત વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા અને તાઇવાન સહિતના એશિયાના ચાર દેશોએ ફગાવી દીધો છે. વિયેતનામે કહ્યું કે આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલ ચીનનો સત્તાવાર નકશો સ્પ્રેટલી અને પેરાસેલ ટાપુઓ પર તેના સાર્વભૌમત્વ અને તેના પાણી પરના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કરે છે. નકશા પર નવ-ડોટેડ લાઇનના આધારે ચીનના સાર્વભૌમત્વ અને દરિયાઇ દાવાઓ “અમાન્ય” છે. વિયેતનામ દક્ષિણ ચાઇના સમુદ્રમાં ડોટેડ લાઇનના આધારે ચીનના તમામ દાવાઓનો સખત વિરોધ કરે છે.
અન્ય દેશોએ પણ ચીનના નવા નકશાને નકારી કાઢ્યો છે. ભારતે મંગળવારે નકશાના એક ભાગને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં અરુણાચલ પ્રદેશના ભાગોને ચીનનો હિસ્સો દર્શાવવામાં આવ્યા છે. ફિલિપાઈન્સે કહ્યું કે તે દક્ષિણ ચીન સાગરમાં ચીનના વિસ્તૃત દાવાઓને માન્યતા આપતું નથી. મલેશિયા અને તાઇવાનની સરકારોએ પણ બેઇજિંગ પર તેમના પ્રદેશનો દાવો કરવાનો આરોપ લગાવતા કડક શબ્દોમાં નિવેદનો જારી કર્યા છે.
આ પહેલા ભારતે મંગળવારે ચીનના નકશા પર સખત વિરોધ નોંધાવ્યો, જેમાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનનો દાવો કરવામાં આવ્યો છે. ભારતે કહ્યું હતું કે આવા પગલાઓ માત્ર સરહદ વિવાદના ઉકેલને જટિલ બનાવે છે. વિદેશ મંત્રાલયે પણ ચીનના દાવાઓને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા. ચીનના પગલા પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, માત્ર વાહિયાત દાવા કરવાથી અન્ય લોકોનો વિસ્તાર તમારો નથી બની જતો.
ફિલિપાઇન્સ સરકારે ગઈકાલે ચીનના કહેવાતા નકશાની ટીકા કરી હતી. ફિલિપાઈન્સના વિદેશ બાબતોના પ્રવક્તા મા ટેરેસિટા દાઝાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીનના કથિત સાર્વભૌમત્વ અને દરિયાઈ વિસ્તારો પર ચીનના કથિત સાર્વભૌમત્વ અને અધિકારક્ષેત્રને કાયદેસર બનાવવાના આ તાજેતરના પ્રયાસનો આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને 1982ના યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) હેઠળ કોઈ આધાર નથી. આ પહેલા ફિલિપાઇન્સે 2013 માં ચીનના રાષ્ટ્રીય નકશાના પ્રકાશનનો વિરોધ કર્યો હતો, જેમાં કલયાન ટાપુઓ અથવા સ્પ્રેટલીસના ભાગોને ચીનની રાષ્ટ્રીય સીમાઓમાં મૂકવામાં આવ્યા હતા.