દિલ્હી પોલીસે બુધવારે દિલ્હીમાં 'જન સુનવાઈ' દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ ખીમજીની ધરપકડ કરી હતી (ANI Photo)

દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તા પર બુધવાર, 20 ઓગસ્ટની સવારે સિવિલ લાઇન્સ સ્થિત તેમના કેમ્પ ઓફિસમાં ‘જન સુનવાઈ’ કાર્યક્રમ દરમિયાન હુમલો કરાયો હતો. હુમલાખોરે પહેલા મુખ્યપ્રધાનને થપ્પડ મારી અને પછી તેમને ધક્કો માર્યો અને પછી તેમણે તેમના વાળ ખેંચી નાખ્યાં હતાં.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગુજરાતના રાજકોટના મૂળ રહેવાસી આરોપી સાકરિયા રાજેશભાઈ ખીમજીભાઈને અટકાયતમાં લેવામાં આવ્યો છે. હુમલો સવારે 8.15 વાગ્યાની આસપાસ થયો હતો. દિલ્હીના પ્રધાન કપિલ મિશ્રાએ કહ્યું કે આ કોઈ સામાન્ય હુમલો નથી. હુમલાખોરે મુખ્યમંત્રીને જમીન પર ધક્કો મારીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

‘જન સુનવાઈ’ દરમિયાન, મુખ્યપ્રધાન હંમેશની જેમ જનતા સાથે વાતચીત કરી રહ્યા હતાં ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો, કેટલાક કાગળો આપ્યા અને અચાનક તેમનો હાથ પકડી લીધો અને તેમને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ થયેલી ઝપાઝપીમાં લોકોએ તેને ઝડપી લીધો હતો. દિલ્હી ભાજપ પ્રમુખે એવા અહેવાલોને નકારી કાઢ્યા કે મુખ્યમંત્રીને થપ્પડ મારવામાં આવી હતી કે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

દરમિયાન, આરોપીની માતા ભાનુબેન સાકરિયાએ રાજકોટમાં દાવો કર્યો હતો કે તેમનો પુત્ર કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી અને રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ સામેના વિરોધમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય રાજધાની ગયો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર “ડોગલવર” છે. તેને કૂતરા, ગાય અને પક્ષીઓ ખૂબ ગમે છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે દિલ્હીના બધા રખડતા કૂતરાઓને પકડી લેવાને આશ્રયકેન્દ્રમાં કાયમી ધોરણે ખસેડવાનો આદેશ આપ્યો ત્યારથી નારાજ હતો. થોડા દિવસ પહેલા તે હરિદ્વાર ગયો હતો અને તેમને ફોન પર કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ સામેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા દિલ્હી જશે.

LEAVE A REPLY